ગોધરા, ગોધરાની જાણીતી શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી દ્વારા વિંજોલ ખાતે આજરોજ રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોનો ફાળો વિષય પર સેમિનારનું આયોજન થયું હતું. સ્વામી વિવેકાનંદ ચેર અને એબીપીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડો. કમલેશ ઉપાધ્યાય (બીજે મેડિકલ કોલેજ અમદાવાદ) ખાસ સેવા આપી હતી. તેમણે પોતાની આગવી છટામાં પોતાના અનુભવ પરથી વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને સવિશેષ માર્ગદર્શન આપતા જણાવ્યું કે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એ સૂત્ર જો જીવનમાં સાકાર કરીએ તો ભવિષ્યમાં ભારત ચોક્કસપણે વિશ્વગુરૂ બનશે. શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણે બે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમણે નેશનલ યુથ ડે ની સૌને શુભકામનાઓ આપી હતી. સ્વામી વિવેકાનંદ ચેરના કોર્ડીનેટર ડો.દીપ્તિબેન સોનીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. એબીવીપીના ગુજરાત પ્રાંતના પ્રેસિડેન્ટ સમર્થ ભટે એબીવીપીની કાર્યપ્રણાલી વર્ણવી હતી. વિદ્યાર્થીઓને વિવેકાનંદના માર્ગ પર ચાલવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં ખાસ મહેમાનો તરીકે ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદના ડો.સી.બી. ત્રિપાઠી, ઇસી મેમ્બર ડો.અજય સોની, પ્રિન્સિપલ એસોસિએશનના પ્રમુખ ડો.એમ.બી. પટેલ, વિવેકાનંદ કેન્દ્રના કાર્યકરો ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રોગ્રામની પૂર્ણાહુતિ બાદ વિવેકાનંદજીના જીવનને લગતા ચિત્રો દ્વારા એક પ્રદર્શનનું પણ આયોજન થયું હતું. જેને વિદ્યાર્થીઓએ માણ્યું હતું. આ પ્રદર્શન આગામી સપ્તાહ સુધી ચાલુ રહેવાનું છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડો.રૂપેશ એન નાકરે કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન કુમાર જૈમીની શાસ્ત્રીએ કર્યું હતું.