
મોસ્કો, રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું છે કે તેમનો અત્યારે યુદ્ધ ખતમ કરવાનો કોઈ ઈરાદો નથી. તે જ સમયે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે કહ્યું કે રશિયા સાથેના યુદ્ધની વચ્ચે, યુક્રેનને નાટો તરફથી સતત મદદ મળી રહી છે જે વિશ્ર્વને ત્રીજા વિશ્ર્વ યુદ્ધની નજીક લઈ જઈ રહી છે. લિથુઆનિયામાં આયોજિત નાટો સમિટ પર, મેદવેદેવે કહ્યું- ભલે પશ્ર્ચિમી દેશો યુક્રેનને સતત સૈન્ય સહાય મોકલી રહ્યાં છે, તેનાથી રશિયાને કોઈ ફરક પડશે નહીં.
રશિયન મીડિયા તાસ મુજબ, મેદવેદેવે કહ્યું- મોસ્કો યુક્રેનમાંથી નવા નાઝી જૂથને દૂર કરવા માંગે છે જે નાટોમાં સામેલ થવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હવે તે શક્ય જણાતું નથી. એટલા માટે હવે યુક્રેનમાં સરકારને હટાવવી જરૂરી બની ગઈ છે. પશ્ર્ચિમી દેશો ગાંડા થઈ ગયા છે તેથી તેઓ બીજું કંઈ વિચારી શક્તા નથી. હવે આનો કોઈ ઉકેલ બચ્યો નથી. ત્રીજું વિશ્ર્વ યુદ્ધ નજીક છે.
બીજી તરફ, યુક્રેનને ક્લસ્ટર હથિયારો આપવાના અમેરિકાના નિર્ણય પર પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું- યુક્રેને આ અમાનવીય હથિયારોનો ઉપયોગ શરૂ કરી દીધો છે. જો જરૂરિયાત ઊભી થશે, તો રશિયા પણ તેનો ઉપયોગ કરવામાં અચકાશે નહીં. આ પહેલા રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુએ પણ મંગળવારે કહ્યું હતું કે જો અમેરિકા યુક્રેનને ક્લસ્ટર હથિયાર મોકલશે તો તેઓ પણ તેનો ઉપયોગ કરવાનું શરૂ કરશે.
રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે મંગળવારે પણ કહ્યું હતું કે જ્યાં સુધી પશ્ર્ચિમી દેશો રશિયાને વ્યૂહાત્મક રીતે હરાવવા યુક્રેનનો પ્યાદા તરીકે ઉપયોગ કરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત થશે નહીં. જો તે ઈચ્છે છે કે આ યુદ્ધનો અંત આવે તો તેણે રશિયાને હરાવવાના સપના જોવાનું બંધ કરવું જોઈએ.તે જ સમયે, યુએસમાં રશિયાના રાજદૂત એનાટોલી એન્ટોનોવે કહ્યું – પશ્ર્ચિમી લશ્કરી જૂથે રશિયાની સરહદો પર સૈનિકોને કેન્દ્રિત કરવાની યોજના બનાવી છે. હવે અમારી પાસે પીછેહઠ કરવાનો કોઈ વિકલ્પ નથી.
રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મેદવેદેવને પુતિનના વફાદાર માનવામાં આવે છે. તેઓ ૨૦૦૮થી ૨૦૧૨ સુધી રશિયાના રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે. યુક્રેનમાં યુદ્ધ અપરાધોના આરોપમાં આઇસીસીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યા પછી ૧૭ માર્ચે મેદવેદેવે કોર્ટને પણ ધમકી આપી હતી.
પોતાના ટેલિગ્રામ એકાઉન્ટ પર લખેલા નિવેદનમાં ICCને નકામી આંતરરાષ્ટ્રીય સંસ્થા ગણાવતા, તેમણે ત્યાંના ન્યાયાધીશોને મિસાઈલ હુમલા માટે આકાશ પર નજર રાખવાની સલાહ આપી. મેદવેદેવે કહ્યું હતું – શક્ય છે કે ઉત્તર સમુદ્રમાં રશિયન યુદ્ધ જહાજમાંથી છોડવામાં આવેલી હાઇપરસોનિક મિસાઇલ હેગમાં આઇસીસી હેડક્વાર્ટર પર પડી. કોર્ટ માટે તેને રોકવું અશક્ય બની જશે.
હ્યુમન રાઈટ્સ વોચના રિપોર્ટ અનુસાર, રશિયા અને યુક્રેન બંને યુદ્ધમાં ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરી રહ્યા છે. ૨૦૨૨માં, યુક્રેને રશિયાના કબજા હેઠળના પ્રદેશમાં ક્લસ્ટર બોમ્બ ફેંક્યા હતા. જેમાં ૮ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. HRW અધિકારી મેરી વેરહેમના જણાવ્યા અનુસાર, યુદ્ધમાં ક્લસ્ટર બોમ્બના ઉપયોગથી લોકોની હત્યા થઈ રહી છે.