કિવ, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે લિથુઆનિયાની રાજધાની વિલ્નિયસમાં જુલાઈ ૧૧-૧૨ નાટો સમિટમાં નાટોની એક્તાની ક્સોટી કરવામાં આવશે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશનની સામે સૌથી મોટો પડકાર યુક્રેનની સદસ્યતા હશે, જેની તેણે ગયા વર્ષે ખાતરી આપી હતી.
યુક્રેનની સદસ્યતાનો મુદ્દો પણ નાટોના સભ્યો વચ્ચે અણબનાવનું કારણ બની શકે છે. કેટલાક સભ્યો માને છે કે યુક્રેનને નાટોનું સભ્યપદ આપવું જોઈએ. પૂર્વ યુરોપમાં રશિયન આક્રમણને રોકવા માટે પણ તે જરૂરી છે. જો કે, કેટલાક સભ્યોને આશંકા છે કે આ એક વ્યાપક યુદ્ધ તરફ દોરી શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ બિડેનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનનું કહેવું છે કે આ કોન્ફરન્સે નાટોમાં યુક્રેનને સામેલ કરવા માટે સભ્ય દેશોને વધુ ધ્યાન આપવાનો પ્રયાસ કરવો જોઈએ. નાટો, વિશ્ર્વનું સૌથી મોટું સુરક્ષા જોડાણ, સ્વીડનને તેના ૩૨મા સભ્ય તરીકે ઉમેરવા અંગેના કરાર સુધી પહોંચવા માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન નાટોમાં યુએસ એમ્બેસેડર રહેલા ડગ્લાસ લ્યુટના જણાવ્યા અનુસાર, જો સંગઠનના સભ્યોની એક્તામાં તિરાડ પડશે તો રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને ફાયદો થશે. તેમણે કહ્યું કે પુતિન વિચારી રહ્યા હતા કે રશિયા-યુક્રેન યુદ્ધ નાટોને વિખેરી નાખશે, પરંતુ થયું તેનાથી વિપરીત. આ યુદ્ધે નાટોને વધુ મજબૂત બનાવ્યું છે.
કોન્ફરન્સમાં ફરી એકવાર લોકોની નજર તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દોઆન પર રહેશે, જે સ્વીડનની સભ્યપદની વિરુદ્ધ છે. તુર્કી માને છે કે સ્વીડન અને ફિનલેન્ડ કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી અને ગેલેન આંદોલનકારીઓને આશ્રય આપે છે.
રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ જણાવ્યું હતું કે નાટો સમિટમાં યુક્રેનના ઝાપોરોઝયે ન્યુક્લિયર પ્લાન્ટ પર પણ ચર્ચા થવી જોઈએ. તેણે યુક્રેન પર વ્યવસ્થિત રીતે ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો.