મુંબઇ, મને એવોર્ડ મળે એના કરતાં લોકોને મારું કામ ગમે અને બહાર નીકળું ત્યારે એ લોકો મને સરળતાથી ઓળખી જાય એ જ મારે મન મોટો એવોર્ડ છે
એનિમલ ફિલ્મ આવી એ પછી ત્રિપ્તી ડિમરીની બોલબાલા વધી ગઇ છે. તેને ઓળખતો વર્ગ મોટો થઇ ગયો છે. તેને નેશનલ ક્રશનું બહુમાન પણ આપવામાં આવ્યું છે. જોકે આ વિશે તે કહે છે કે આ સફળતા મને રાતોરાત તો નથી જ મળી. એ માટે અઢળક મહેનત તો છે જ સાથેસાથે ભારોભાર રિજેક્શન પણ મેં સહન કર્યાં છે.
મારી ટેલેન્ટની નોંધ શરૂઆતમાં નથી લેવાઈ એ વાતની તકલીફ આજે પણ છે. જો એનિમલનો મારો રોલ સફળ ન થયો હોત તો આજેય મારે ઓળખાણ માટે કે કામ માટે ફાંફાં મારવાં પડતાં હોત. મેં લૈલા મજનૂ, બુલબુલ અને કલા જેવી ફિલ્મો કરી છે, જેમાં મારા કામને ક્રિટિક્સે વખાણ્યું તેમ છતાં મારી નોંધ ઈન્ડસ્ટ્રીમાં નથી લેવાઈ.
હું એ પછી કામ મળે એ માટે સતત લોકો સાથે વાત કરતી રહેતી. જોકે દરેક અંધારા પાછળ એક સવાર હોય જ છે અને જે ઊગે જ છે. મેં પણ એ વાત મનમાં બાંધી દીધી હતી. મહેનત કરીશ તો સારું પરિણામ મળશે જ. જે આજે મને મળી રહ્યું છે. બસ, મારા માટે આ મહત્ત્વનું છે. મને એવોર્ડ મળે એના કરતાં લોકોને મારું કામ ગમે અને બહાર નીકળું ત્યારે એ લોકો મને સરળતાથી ઓળખી જાય એ જ મારે મન મોટો એવોર્ડ છે.
ખેર, આજના યુવાનોની નેશનલ ક્રશ બનેલી ત્રિપ્તી પાસે હાલ ફિલ્મોનું લાંબું લિસ્ટ છે. તે કહે છે કે ઘણી સ્ક્રીપ્ટ આવીને પડી છે. હું સમય લઇને એ વાંચી નાખીશ. હાલ મારા અમુક પ્રોજેક્ટ કન્ફર્મ છે. જેમાં ભુલભુલૈયા-૩ છે. આ ફિલ્મ પહેલાં સારા અલી ખાનને મળવાની હતી જે હવે ત્રિપ્તીને મળી છે. સારાની જગ્યાએ અચાનક ત્રિપ્તીના કાસ્ટિંગે લોકોને અચંબિત કરી દીધા છે. તે કહે છે કે હોરર ફિલ્મ મેં પહેલાં પણ કરેલી છે એટલે આ ફિલ્મ કરવાની મજા આવશે, પ્લસ આ ફિલ્મમાં કાતક અને વિદ્યા મૅમ છે જેમની સાથે મેં પહેલાં ક્યારેય કામ નથી કર્યું તો મને ઘણું જ જાણવા અને શીખવા મળશે.
ભુલભુલૈયા-૩ બાદ એની પાસે વિક્કી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો ફિલ્મ પણ છે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ છે. રાજકુમાર સાથે કામ કરવાનો એનો અનુભવ પણ ખૂબ સારો રહ્યો. તે કહે છે કે રાજકુમાર રાવ ખૂબ જ શાંત અને સીન્સિયર પર્સન છે. આ એક કોમેડી ફિલ્મ હશે.