નેશનલ હાઇવે ઓથોરિટીનો ગુજરાત હાઇકોર્ટે લીધો ઉધડો : તમારા કારણે લોકો રડી રહ્યાં છે, તમે સરમુખત્યારશાહની જેમ વર્તો છો…

  • નેશનલ હાઇવે ઓથોરિટીની અપીલ પહેલી જ સુનાવણીમાં કોર્ટે ફગાવી

રાજયમાં જમીન સંપાદનને લગતા કેસોમાં જમીન સંપાદન બાદ પણ વર્ષો સુધી જમીનનો ઉપયોગ નહી કરવા મુદ્દે અને મૂળ જમીન માલિકોને વળતરથી વંચિત રાખી ખોટી હેરાનગતિ થતી હોવાના મામલે ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લઇ આજે નેશનલ હાઇવે ઓથોરીટી સત્તાવાળાઓનો ઉધડો લીધો હતો. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધા માયીની ખંડપીઠે આવા ગેરજવાબદાર વલણને લઇ નેશનલ હાઇવે ઓથોરીટીને કડક ચેતવણી આપી હતી અને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, સત્તાવાળાઓની આ પ્રકારની ગેરવ્યસ્થાના કારણે સામાન્ય જનતાને કાયદાની આંટીઘૂંટીમાં ખોટી રીતે હેરાનગતિનો ભોગ બનવા દેવાય નહી. તમારા આવા બિનજરૂરી લીટીગેશન્સના કારણે લોકો રડી રહ્યા છે અને તમે એક સરમુખત્યારશાહની જેમ વર્તો છો., જે કોઇપણ રીતે સાંખી ના શકાય.

જમીન સંપાદનને લગતા એક કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે નેશનલ હાઇવે ઓથોરીટી સત્તાવાળાઓને હુકમમાં બહુ ગંભીર ચેતવણી આપતાં જણાવ્યું કે, નેશનલ હાઇવે ઓથોરીટીના હાઇએસ્ટ ઓફિશીયલ(સૌથી ટોપ પરના ઉચ્ચ અધિકારીઓ) આ પ્રકારે પ્રાઇવેટ લોકોની જમીનના કિસ્સામાં પણ અપીલ કરી તેમને બિનજરૂરી લીટીગેશન્સમાં ખેંચવાની સલાહ કોણે આપી…? નેશનલ હાઇવે ઓથોરીટી તરફથી દાખલ કરાયેલી હાલની અપીલ મેરિટ વગરની અને કોઇ મજબૂત ગ્રાઉન્ડ વિનાની છે. હાઇકોર્ટે જો નેશનલ હાઇવે ઓથોરીટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ પ્રકારની ભૂલ કરાશે તો અદાલત માફ નહી કરે અને તેઓને રૂબરૂ હાજર રાખી આકરો હુકમ કરશે આ સંદેશો પણ  ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવા હાઇકોર્ટે નેશનલ હાઇવે ઓથોરીટીના વકીલને તાકીદ કરી હતી. 

જમીન સંપાદન બાદ પણ મૂળ જમીન માલિકની જમીનનો કોઇ ઉપયોગ ના થાય, તેને વર્ષો સુધી વળતર પણ ના મળે અને જમીન માલિકો બંધારણ અને કાયદામાં બક્ષાયેલા તેમના અધિકારથી વંચિત રહે તે પ્રકારની અવ્યવસ્થા ઉભી કરવા બદલ તો ખરેખર તમારા અધિકારીઓ જ જવાબદાર ગણાય. નેશનલ હાઇવે ઓથોરીટીના ઉચ્ચ અધિકારીઓ મનમાની કરે અને મનસ્વી વર્તન દાખવે છે તેના કારણે રાજયના ધોરીમાર્ગોના ઘણા કામો અટકી પડતા હોય છે, તમારા આવા ખોટા લીટીગેશન્સના કારણે જમીન માલિકો અને ખેડૂતો બિચારા કોર્ટ-કચેરીના ધક્કા ખાતા થઇ જાય છે અને તેમાં તેમના વર્ષો બગડી જતા હોય છે. નેશનલ હાઇવે ઓથોરીટી અને તેના અધિકારીઓનું આ પ્રકારનું વર્તન કે ઉદાસીનતા કોઇ સંજોગોમાં ચાલે નહી કારણ કે, તેના કારણો લોકો બિનજરૂરી રીતે હેરાન થતા હોય છે અને રડી રહ્યા છે.   તમે એક સરમુખત્યારશાહની જેમ વર્તી રહ્યા છો..પરંતુ હાઇકોર્ટ આ પ્રકારના વલણને સૉખી નહી લે. હાઇકોર્ટે જણાવ્યું કે, નેશનલ હાઇવે ઓથોરીટીના આ પ્રકારનો લીટીગેશન્સનો કોર્ટનો બહુ કડવો અનુભવ છે અને આજની આ મેરિટ વગરની અપીલ ફાઇલ કરવાથી અદાલતના મનમાં આ છાપ દ્રઢ બની ગઇ છે. નેશનલ હાઇવે ઓથોરીટી આ પ્રકારના ફાઇલીંગ કરવા પંકાયેલુ છે. 

કેસની વિગત મુજબ, કેટલાક ખાનગી વ્યકિતઓની જમીન નેશનલ હાઇવે ઓથોરીટી એકટ હેઠળ સંપાદિત કરાઇ હતી. વિવાદીત જમીન ટાઉન પ્લાનીંગ સ્કીમનો ભાગ હતી અને તે પબ્લીક રોડ અને કોમન ફેસીલિટી માટે આઇડેન્ટીફાય કરાઇ હતી. જમીન સંપાદન અધિકારીએ સરકારના સંબંધિત પરિપત્રને ધ્યાનમાં લઇ આ જમીન પબ્લીક રોડમાં આવતી હોઇ તેનું પ્રતિ ચો.મી એક રૂપિયો ટોકન નક્કી કર્યો હતો. 

પરંતુ આ નિર્ધારણને આર્બીટ્રેટર ટ્રિબ્યુનલે અયોગ્ય અને ગેરકાયદે ગણાવી બજાર કિંમત પ્રમાણે પ્રતિ ચો.મી રૂ.છ હજાર રૂપિયા જમીન માલિકોને આપવા ઠરાવ્યું હતું. જે હુકમ સામે નેશનલ હાઇવે ઓથોરીટીએ કોમર્શયલ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ કોર્ટે નેશનલ હાઇવે ઓથોરીટીની અરજી ફગાવી દીધી હતી. આ હુકમથી નારાજ થઇ નેશનલ હાઇવે ઓથોરીટીએ હાઇકોર્ટમાં ફર્સ્ટ અપીલ કરી હતી. જો કે, હાઇકોર્ટે પણ નેશનલ હાઇવે ઓથોરીટીની અપીલ ધરાર ફગાવી દીધી હતી અને આર્બીટ્રેટર ટ્રિબ્યુનલ અને કોમર્શીયલ કોર્ટના હુકમને યથાવત્ રાખ્યો હતો.