રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ની ભલામણોનો ગુજરાત વિદ્યાપીઠમાં અમલ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ની ભલામણોનો ગુજરાત વિદ્યાપીઠમાં અમલ થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ની ભલામણોનો ગૂજરાત વિદ્યાપીઠમાં કઈ કઈ રીતે અમલ કરવામાં આવ્યો છે તે અંગેની એક આકારણી બેઠક આજરોજ ઉચ્ચ શિક્ષણમાં કાર્યરત સૌ અયાપકોની સાથે કુલપતિ હર્ષદ પટેલની અધ્યક્ષતામાં હિરક મહોત્સવ ખંડમાં યોજાઈ ગઈ.

આ બેઠકમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના ગૂજરાત વિદ્યાપીઠમાં અમલીકરણ માટેના નોડલ ઓફિસર ડો. દિપુબાએ ઉચ્ચ શિક્ષણમાં એ તમામ કાર્યો અને વિભાગો અંગે વિસ્તારથી જણાવ્યું જેમાં ગૂજરાત વિદ્યાપીઠે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના સૂચનોનો અમલ કર્યો છે. કુલપતિ ડો. હર્ષદભાઈએ આ અંગે અભિનંદન આપ્યા અને આનંદ વ્યક્ત કર્યો હતો.

ગૂજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક અને બિન શૈક્ષિણીક કર્મચારીઓને વિદ્યાકીય, નેતૃત્વ અને વ્યવસ્થાપનની તાલીમ મળી રહે તે ઉદ્દેશથી ‘વ્યવસાયિક સજ્જતા મંદિર’ (વ્યાસ)ની રચના કરાવામાં આવી છે. આ કાર્યની જવાબદારી શિક્ષણ મહાવિદ્યાલયના વરિષ્ઠ પ્રાયાપક ડો. ભરત ભાઈ જોશીને આપવામાં આવી છે. આગામી તા. ૮,૯,૧૦ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ‘વ્યાસ’ના ઉપક્રમે શૈક્ષણિક સેવકોની તાલીમ માટેનો પ્રથમ કાર્યક્રમ યોજાનાર છે. ‘વ્યાસ’ના ઉપક્રમે થનાર તાલીમ ઇન હાઉસ, સ્ટેટ લેવલ અને નેશનલ લેવલે પણ યોજાશે અને તે માટે ઉચ્ચ કક્ષાના કાર્યક્રમો પણ યોજાશે.