તાજેતરમાં જ આલિયા ભટ્ટે તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. આલિયા ભટ્ટે આ સફળતાની ઉજવણી જોરશોરથી કરી છે. આલિયાએ નેશનલ ફિલ્મ એવોર્ડ જીત્યા પછી તેના કલેક્શનમાં એક નવી અને લક્ઝુરિયસ કારનો સમાવેશ કર્યો છે. આલિયાના ઘરે આવેલી આ નવી કારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નેશનલ ફિલ્મ એવોર્ડ જીત્યા બાદ આલિયાએ પોતાના માટે એક નવી લેન્ડ રોવર ઓટોબાયોગ્રાફી લોંગ વ્હીલબેસ ખરીદી છે. મુંબઈમાં આ કારની કિંમત 3.81 કરોડ રૂપિયા છે. લેન્ડ રોવર રેન્જ રોવર લાઇનઅપમાં આ ડીઝલ એડિશન છે.
આલિયાને 17 ઓક્ટોબરે દિલ્હીમાં ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તેણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી એવોર્ડ મેળવ્યો હતો. આલિયાની સાથે આ સમયે રણબીર કપૂર પણ હતો. આ એવોર્ડ ફંકશનની બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
જો કે હવે આલિયાની નવી કારનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ કાર માટે લોકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે. આલિયાએ જે કાર ખરીદી છે તે સાત રંગોમાં ઉપલબ્ધ છે. જેમાં બ્લેક, પોર્ટોફિનો બ્લુ, બેલગ્રાવિયા ગ્રીન, એઇગર ગ્રે, ફુજી વ્હાઇટ, હકુબા સિલ્વર અને લાન્ટાઉ બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે આલિયા ભટ્ટ છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં છે. આ વર્ષમાં તેણે હોલીવુડ ફિલ્મોમાં પણ ડેબ્યુ કર્યું હતું. તે હોલીવુડની ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનમાં ગેલ ગેડોટ અને જેમી ડોર્નન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર પ્રીમિયર કરવામાં આવી હતી. આ સિવાય છેલ્લે આલિયા રણવીર સિંહ સાથે કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળી હતી. આલિયા ભટ્ટના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો તે હવે ડાયરેક્ટર વાસન બાલાની ફિલ્મ જીગરામાં જોવા મળશે. જીગરા ફિલ્મ આવતા વર્ષે 27 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ સિવાય આલિયા પાસે ફરહાન અખ્તરની ફિલ્મ જી લે ઝરા પણ છે. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા જોવા મળશે તેવી ચર્ચા છે.