નાશિકમાં એસટીબસે ૭ વાહનને અડફેટમાં લીધા : બસમાં ભીષણ આગ, ૨ના મૃત્યુ, ૧૦ જખમી

મુંબઈ,

નાશિક- પુણે હાઇવે પર આજે સવારે એસટી બસના ડ્રાઇવરે વાહન પરથી કાબૂ ગુમાવતા સાત વાહનને અડફેટમાં લેતા બે જણ મોતને ભેટ્યા હતા. આ અથડામણ બાદ એસટી બસમાં આગ ભભૂકી હતી. સ્થાનિક લોકોની મદદથી ૪૩ પ્રવાસીનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ બનાવમાં ૧૦ જણને ઇજા થઇ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પુણેના રાજગુરુ નગરથી એસટી બસ નાશિક જઇ રહી હતી નાશિકમાં પળસે ગામ પાસે સવારે ૧૧.૪૫૪ વાગ્યે બસનું બ્રેક ફેલ થઇ ગયું હોવાનું કહેવાય છે. ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવ્યા બાદ બે બાઇક, કાર, અન્ય એસટી બસ સહિત સાત વાહનને અડફેટમાં લીધા હતા. બે બસ વચ્ચે બાઇક સવાર ફસાઇ ગયા હતા. બાઇકમાં આગ લાગી હતી. બસ પણ આગની લપેટમાં સપડાઇ હતી.

દરમિયાન સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે બસમાંથી ૪૩ પ્રવાસીને નીચે ઉતારી બચાવી લીધા હતા. અકસ્માતમાં ગંભીર ઇજા થતા બે જણ મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે ધસી જઇ આગ બૂઝાવી હતી. ત્યારબાદ વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. અગાઉ પણ નાસિકમાં બસમાં આગ લાગતા ૧૩ જણ મૃત્યુ પામ્યા હતા.