- કુદરતી મોત થયાનું કહી અંતિમ સંસ્કાર પણ કરાવી નાખ્યા.
પાટણ,
પાટણ શહેરમાં આવેલા નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહેલા યુવકની નશામુક્તિ કેન્દ્રના સંચાલક અને તેના મળતીયાઓએ જ હત્યા કરીને બાદમાં તેને કુદરતી મોતમાં ખપાવી અગ્નિ સંસ્કાર સુદ્ધાં કરી દીધા હતા. જોકે, CCTV સામે આવતાં પોલીસે ૭ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી ૬ આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ અધિકારીના જણાવ્યા મુજબ આરોપીઓએ યુવકને સતત દોઢ કલાક સુધી ઢોરમાર માર્યો હતો અને બાદમાં ગુપ્તાંગને સળગાવ્યું હતું. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે મહેસાણાના રહેવાસી ચંદ્રકાંત અંબાલાલ મિસ્ત્રીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓની બહેનનો પુત્ર હાર્દિક સુથાર નશાના રવાડે ચડેલો હતો. જેને છેલ્લા છ માસથી પાટણના જયોના નશામુક્તિ કેન્દ્રમાં મૂક્યો હતો, પરંતું ગત ૧૭ ફેબ્રુઆરીના રોજ ચંદ્રકાંતભાઈ ઉપર નશામુક્તિ કેન્દ્રના સંચાલકનો ફોન આવ્યો હતો કે હાર્દિકે પોતાના હાથે ચપ્પાનો ઘા માર્યો છે અને તેનું બીપી ઘટી ગયું છે, તેથી અમે દવાખાને લઈ જઈએ છીએ. આ બાદ બીજે દિવસે સંચાલકે ફોન ઉપર હાર્દિકનું મોત નીપજ્યું હોવાનું કહી તેના પરિવારજનોને પાટણ બોલાવતાં પરિવારજનો પાટણ આવતાં એક ખેતરમાં ઈકો ગાડીમાં હાર્દિકનો મૃતદેહ દેખાડ્યો હતો. તેનું બીપી ઘટી જવાથી તેનું મોત નીપજ્યું હોવાનું કહી પરિવારજનોને સાથે રાખી અંતિમ સંસ્કાર પણ કરાવી લીધા હતા.
મૃતક હાર્દિક સુથાર નશાની લત વાળો હોવાને કારણે તેના પિતા પણ ઘર છોડી જતા રહ્યા હતા અને સામાજિક રીતે તેના જોડે કોઈ સંબંધ રાખતુ ન હોવાને કારણે તેના મોત અંગે કોઈને શંકાઓ ગઈ નહોતી અને આખો મામલો દબાઈ જવાની સંભાવનાઓ હતી, પરંતુ પી. આઈ. મેહુલ પટેલે નશામુક્તિ કેન્દ્રના સીસીટીવી ફૂટેજ ચકાસતાં સંચાલક સંદિપ પટેલ અને મળતીયાઓ હાર્દિકના હાથ પગ બાંધીને માર મારતા હોવાના ફુટેજ મળી આવ્યા હતા. સમગ્ર મામલો બહાર આવતાં પોલીસે ૬ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ યુવકે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો, જેથી અન્ય દર્દી આવું ન કરે જેથી આરોપીઓએ મારમાર્યો હતો.
આરોપીઓમાં સંદિપ છગનભાઈ પટેલ (રહે, કમલીવાડા, તા.જી. પાટણ, જયોના નશામુક્તિ કેન્દ્રનો સંચાલક), જીતુ સાવલીયા પટેલ (રહે. ભાવનગર),જૈનિષ (રહે, સુરત),ગૌરવ માછીમાર (રહે. સુરત), મહેશ રાઠોડ નાયી (રહે. પાલનપુર),જયેશ ચૌધરી (રહે. નગાણા, તા. વડગામ) અને નિતીન ચૌધરી (રહે ચાંગા તા. વડગામ)નો સમાવેશ થાય છે.