સોનગઢ,
તાપી જિલ્લાની સરહદે આવેલા ઉચ્છલ તાલુકાના હાઇવે પરના બેડકી નાકા પાસેથી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અને તાપી જિલ્લા એસઓજી સ્ટાફે બાતમીના આધારે એક ટ્રક અટકાવી તેમાંથી ૫૭૩ કિલો જેટલો ગાંજાનો જથ્થા સાથે ત્રણ આરોપીને પકડી પાડયા હતા. આ ગાંજો ઓરિસ્સા રાજ્યમાંથી ભરવામાં આવ્યો હતો અને ગુજરાતના પાટણ લઈ જવામાં આવતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે મહેસાણા નજીકથી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે પર મહારાષ્ટ્ર નવાપુર તરફથી આવતી એક ટ્રકમાં ગાંજાનો જથ્થો ભરેલો છે.
અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ અંગે ઉચ્ચ અધિકારી રેન્જ આઈજી પિયુષ પટેલ, સુરત શહેર પોલીસ કમિશનર અજય સિંહ તોમર અને તાપી એસ.પી. રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને તાપી એસઓજી ના જવાનો બેડકી નાકા પાસે ગોઠવાયા હતાં. રવિવારે મોડી સાંજે બાતમી મૂજબની ટ્રક નંબર PB-02-BN-9566 નજરે પડતાં પોલીસ સ્ટાફે તેને કૉર્ડન કરી રોકી હતી. આ ટ્રકમાંથી ડ્રાઈવર સહિત ત્રણ લોકો મળી આવ્યાં હતાં, અને ટ્રકની કેબિનમાં તપાસ કરતાં જુદા જુદા ખાના અને સ્થળેથી લંબચોરસ ભૂરા કલરની કોથળી અને પેપર માં લપેટેલા ડાળી, ડાળખાં અને બી સાથેના ગાંજાના ૬૪ જેટલાં પાર્સલ મળી આવ્યાં હતાં.
આ બનાવમાં ટ્રકમાંથી ચાલક અવતારસિંગ લખવિંદર સિંગ સિંધુ, ગુરજીતસિંગ મંગલસિંગ સોહતે (બંને રહે. લાપોગી અજનાળા ગામ જી. અમૃતસર) અને કિશનસિંગ દલજીત સિંગ સોનીવાલ (રહે. સતરથાના જી. તરણતારણ)ની વધુ પૂછપરછ કરતાં આ ગાંજાનો જથ્થો ટ્રક માલિક રાબેગસિંગ હરિસિંગ (રહેવાસી બહેરીવાલ જી. અમૃતસર) ના કહેવાથી દિલબાગ સિંગ ઉર્ફે બગ્ગા જશવંતસિંગ (રહે તરણતારણ) એ ભરાવી આપ્યો હતો. અને રંજન રંગનાથ નાયક (રહે.ગુલુબા જી.ગજપતિ ઓરિસ્સા રાજ્ય ) એ મોક્લ્યો હતો, તથા મૂળ ઓરિસ્સાનો અને હાલ સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતો વિજય અશોક કુલપતિએ મંગાવ્યો હતો.
આ ગાંજાનો વિપુલ જથ્થો ઓરિસ્સાથી ભરીને ગુજરાતના પાટણ સુધી લઈ ગયા બાદ, આગળ જુદા જુદા સ્થળે મોકલવાના હોવાનું જણાવ્યું હતું. તાપી પોલીસે આ બનાવમાં કુલ છ આરોપીની ધરપકડ છે. કુલ ૫૭૩.૧૨૦ કિલો ગાંજો જેની કિંમત રૂપિયા ૫૭,૩૧,૨૦૦, ટાટા કંપનીની ટ્રક કિંમત રૂ. ૭,૦૦,૦૦૦ અને બે મોબાઈલ કિંમત રૂ. ૨૦૦૦ જપ્ત કરી છે.