નાસામાં ૮-૧૧ અબજ ડોલરના બજેટનો સેનેટરોએ વિરોધ કરતાં ૫૩૦ કર્મચારીઓને છૂટા કરાયા

લોસએન્જલ્સ, વિશ્ર્વપ્રસિદ્ધ અવકાશ સંસ્થા નાસામાં પણ જોબ કટ આવ્યો છે. તેણે તેના આઠ ટકા સ્ટાફને છૂટો કરવાનો નિર્ણય લીધો છે. તેના પગલે નાસામાંથી ૫૩૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવશે અને ૪૦ કોન્ટ્રાક્ટર સાથે તેની સમજૂતી ખતમ થશે.

નાસાની સૌથી મોટી પ્રયોગશાળા જેટ પ્રોપલ્ઝન લેબોરેટરી છે. તેણે આ જોબ કટનો નિર્ણય લીધો છે. પ્રયોગશાળાએ આ અંગે તેના નિવેદનમાં જણાવ્યું છે કે તેના લીધે અમારા ટેકનિકલ અને સપોર્ટ એરિયા પર અસર પડશે, પરંતુ આ આકરો નિર્ણય લેવો જરુરી હતો.

આ નિર્ણય લેવાનું કારણ એ છે કે બજેટ ફાળવણી યોગ્ય રીતે કરી શકાય. તેને સંતુલિત કરી શકાય. આમ છતાં જેપીએલ અને તેના લોકો નાસા અને પોતાના દેશ માટે જરુરી કામ કરતા રહેશે. જેપીએલની મુખ્ય કચેરી લોસ એન્જલ્સમાં છે. જેપીએલને ફંડિંગ સરકાર કરે છે, પરંતુ તેનું મેનેજમેન્ટ કેલિફોનયા ઇન્સિટયુટ ઓફ ટેકનોલોજી એટલે કે કેલટેક કરે છે.

નાસાના આ સેન્ટર પાસે ઘણા મોટા મિશન છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મંગળ ગ્રહ પર મોકલવામાં આવેલું ક્યુરિયોસિટી અને પસવરન્સ રોવર મિશન.ગયા વર્ષે આ મિશનનું બજેટ ૮થી ૧૧ અબજ ડોલર હતુ. તેના પર કેટલાક અમેરિકન સેનેટરો નજર પડતા તેમણે તેનો વિરોધ કર્યો. તેથી તેમા ૬૩ ટકા ઘટાડો કરવામાં આવ્યો હતો.