વધતા જતા વાયુ પ્રદૂષણના સંશોધન માટે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ એક ફલાઇંગ લેબોરેટરી (ઉડતી પ્રયોગશાળા) તૈયાર કરી છે. આ લેબ વિવિધ સ્થળોએથી વિવિધ પ્રકારના નમૂનાઓ એકઠા કરે છે. ફલાઇંગ લેબોરેટરીની સમગ્ર રચના અને સુવિધા જોતા તે હવાઇ જહાજ જણાતી નથી. આ લેબનો એક માત્ર ઉદ્ેશ હવામાં રહેલા વાયુ પ્રદૂષણના નમૂના તૈયાર કરીને સ્ટડી કરવાનો છે. તાજેતરમાં ફલાઇંગ લેબ ફિલિપાઇન્સમાં પહોંચી હતી.આ લેબ ડીસી -૮ વિમાનમાંથી તૈયાર કરવામાં આવી છે. એક ઉડાણમાં સતત ૮ કલાક સુધી હવામાં રહી શકે છે.
આ ફલાઇંગ લેબ જમીનથી ૧૫ મીટર જેટલી જ ઉંચી ઉડે છે. આમાં બેઠેલા વૈજ્ઞાાનિકો હવામાં રહેલા પ્રદૂષણના કણ પર નજર રાખતા રહે છે. ફિલિપાઇન્સની રાજધાની મનીલા પાસે કલાર્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નાસાના બેરી લેફરે જણાવ્યું હતું કે જુદા જુદા પ્રકારના સ્ત્રોતો દ્વારા કેવી રીતનું પ્રદૂષણ હોય છે તેનું આંકલન થાય છે.વાયુની ગુણવત્તાનું મોડેલ પણ આ ડેટા પરથી જ તૈયાર થાય છે. હાલમાં વાયુ ગુણવત્તા તપાસવા માટે નમૂનાનું પછીથી ઉપગ્રહો પર પૃથ્થકરણ કરવામાં આવે છે.
નિષ્ણાતનું માનવું છે કે ફલાઇંગ લેબમાં જમા કરવામાં આવેલા નમૂનાઓ ડેટાનું વિશ્લેષણ કરવું ખૂબ જરુરી છે. લેબમાં ડઝનો સંવેદનશીલ ઉપકરણો લગાવેલા છે જેને લઇને ફલાઇંગ લેબે મનીલા પરથી ઉડાણ ભરી હતી. આ સાથે નાસાનું એક નાનકડુ ગલ્ફ સ્ટ્રીમ જેટ પણ છે જે હવામાં દુષિત તત્વોનું થ્રીડી મેપ તૈયાર કરે છે. આવનારા સમયમાં હવાઇ પ્રયોગશાળા દક્ષિણ કોરિયા,મલેશિયા અને થાઇલેન્ડમાં કામ કરશે. આ સ્ટડીના તારણો એક વર્ષ પછી બહાર પાડવામાં આવશે.