નરસંડા ગામના ખેડૂતે જંગલ મોડલ ફાર્મ આધારિત પ્રાકૃતિક ખેતીથી શાકભાજી અને ફળોનું કર્યું વાવેતર

  • મોસંબી, નારંગી, સફેદ જાંબુ, કેરી, જામફળ, શેરડી સહિત અંદાજીત 76 ઝાડ જંગલ મોડલ ફાર્મમાં ઉગાડવામાં આવ્યા.

ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના નરસંડા ગામના 51 વર્ષીય ખેડૂત અમિત ઠાકરે સુભાષ પાલેલકર પદ્ધતિ આધારિત 24 ગુંઠા જમીનમાં જંગલ મોડલ ફાર્મ તૈયાર કર્યુ છે. આ ફાર્મમાં અમિતભાઈએ દૂધી, ગવાર, ભીંડા, આદુ, હળદર, લીંબુ, રતાળુ જેવી શાકભાજી; આંબા, ચીકુ, મોસંબી, શેરડી, કેળ, પપૈયા, નારંગી અને કેરી સહિતના ફળ-ફળાદીનું ઉત્પાદન કરે છે. જેમાં 5 ઝાડ મોસંબી 5 નારંગી, 6 આમળા, મિયાઝાકી કેસર, લંગડો, રાજાપુરી સહિત 20 આંબા, 15 લીંબુ, 20 જામફળ, 1 સફેદ જાંબુ અને 20 સફરજનના ઝાડ સહિત અંદાજીત 76 જેટલા ફળના વૃક્ષોનું વાવેતર કરેલ છે.

અમિતભાઈ પ્રાકૃતિક ખેતી માટે સાત જેટલી દેશી ગાય રાખે છે. જેના છાણ અને મુત્રમાંથી તેઓ જીવામૃત અને ઘનામૃત બનાવે છે. આ ગાયના નિભાવ માટે તેમને પ્રતિ માસ રૂ. 900ની સબસિડી પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. ફક્ત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી બનાવેલ નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્રિ અસ્ત્ર, ફૂગનાશક અને દશપર્ણી અર્ક દવા છંટકાવ દ્વારા અમિતભાઈ પોતાના પાકને સંરક્ષણ આપે છે. અને નિંદામણની જગ્યાએ આચ્છાદન દ્વારા પાક વાવેતરનું રક્ષણ કરે છે.

પંચસ્તરીય ખેતી જંગલ મોડેલ ફાર્મિંગના લાભ જણાવતા ખેડા જીલ્લા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જે.એચ. સુથાર જણાવે છે કે ખેડૂતો સામાન્ય રીતે તેમના ખેતરમાં ઓક્સિજન દરમિયાન એક જ પાકનું વાવેતર કરતા હોય છે, તેમાં પણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને લીધે પાકની ઉત્પાદકતામાં પ્રતિદિન ઘટાડો જોવા મળે છે. જ્યારે પ્રાકૃતિક ખેતી દ્વારા ફક્ત એક જ પાકના વાવેતરને બદલે પંચસ્તરીય જંગલ મોડેલ ફાર્મિંગ પદ્ધતિથી વાવેતર કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે અને સમગ્ર વર્ષ દરમિયાન સતત આવક મળતી રહે છે. પંચસ્તરીય પદ્ધતિમાં જુદી જુદી ઊંચાઈ ધરાવતા પાકો જેવા કે ધાન્ય પાક, કઠોળ પાક, ફુલછોડ તેમજ બાગાયતી ફળ-પાકો અને વેલાવાળા શાકભાજી પાકોનું વાવેતર એક સાથે કરવામાં આવતું હોવાથી ખેડૂત વધારે આવક મેળવી શકે છે.

આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને 2016માં અમિતભાઈએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. અત્યાર સુધીમાં તેઓ 300 થી વધુ ખેડુતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચુક્યા છે. અમિતભાઈ પોતાની ખેત-પેદાશોને નડિયાદ, સંતરામ મંદિર ખાતે આવેલ વામન ખેડા જઙગઋ પ્રોડ્યુસર કંપની, પ્રાકૃતિક માર્ટ દ્વારા વેચાણ કરે છે.