CM ભૂપેન્દ્ર પટેલે અમૃત મુહૂર્તમાં નર્મદા નીરનાં વધામણાં કર્યાં, 7 કરોડ ગુજરાતીની તરસ છિપાવતું દૃશ્ય

ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ સિઝનમાં પહેલીવાર છલકાયો હતો. આજે ડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડિયા પહોંચીને 12.39 વાગ્યે અમૃત મુહૂર્તમાં નર્મદાનાં નીરનાં વધામણાં કર્યાં હતાં. બ્રાહ્મણો દ્વારા મંત્ર ઉચ્ચારણો સાથે નર્મદા નદીનાં નીરને ચૂંદડી, શ્રીફળ, કંકુ, ચોખા અર્પણ કરીને મુખ્યમંત્રીએ નર્મદા મૈયાની પૂજા-આરતી કરી હતી.

નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો

સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી છલોછલો ભરાયો છે. ડેમમાં હાલ 82,408 ક્યૂસેક પાણીની આવક છે. ડેમમાંથી હાલ 5 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી મુખ્ય કેનાલમાં 4364 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટર્બાઇન મારફત 40,930 ક્યૂસેક પાણીની જાવક છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડિયા હેલિપેડ ખાતે પહોંચ્યા છે. હવે ત્યાંથી નર્મદા ડેમ પર પહોંચીને 12.39 વાગે અમૃત મુહૂર્તમાં બ્રાહ્મણો દ્વારા મંત્ર ઉચ્ચારણો સાથે નર્મદા નદીનાં નીરને ચૂંદડી, શ્રીફળ, કંકુ, ચોખા અર્પણ કરીને પૂજા કરશે. નર્મદા નીરનાં વધામણાં કર્યા હતા અને નર્મદા માતાની આરતી ઉતારી હતી. ઉલ્લેખનીય છે કે, આ ચોમાસાની સિઝનમાં ડેમના દરવાજા 33 અલગ અલગ દિવસો પર ખોલીને (10/08/2024થી 27/09/2024) સુધીમાં કુલ 77 લાખ 39 હજાર 786 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું.

ડેમ પૂર્ણ ભરાયો છે ત્યારે ગુજરાતવાસીઓને શું મળશે

  • 9104 ગામમાં એક વર્ષ સુધી પીવાનું પાણી
  • 169 શહેરને એક વર્ષ સુધી પીવાનું પાણી
  • 07 મહાનગરને એક વર્ષ સુધી મીઠું પાણી
  • 5 કરોડથી વધુ લોકોને બે ટાઈમ પાણી
  • રાજ્યની 16.99 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી

સરદાર સરોવરમાં 5.76 લાખ કરોડ લિટર પાણીનો સંગ્રહ નર્મદા ડેમમાં 121.92 મીટરની સપાટી પછી 30 દરવાજા લગાવવામાં આવ્યા છે. જેમાં 23 દરવાજા સપાટીને મેન્ટન કરવા જ્યારે 7 દરવાજા ઇમર્જન્સી રખાયા છે. દરવાજાઓ સાથે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી છે. ત્યારે ડેમમાં 4.73 મિલિયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લિટર પાણીનો ડેમમાં સંગ્રહ થશે. આ પાણી રાજ્યમાં એક વર્ષ માટે પીવાના તથા સિંચાઈના પાણીની જરૂરિયાતને પૂર્ણ કરી શકશે.

નર્મદા ડેમ સિઝનમાં પહેલીવાર સંપૂર્ણ સપાટીએ

ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમના પાયા નંખાયાને આજે 62 વર્ષ પૂર્ણ થયાં છે. 5મી એપ્રિલ 1961ના રોજ પૂર્વ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરુએ કેવડિયા ખાતે નર્મદા ડેમનો પાયો નાખ્યો હતો. આજે 62 વર્ષ બાદ નર્મદા ડેમ એની 138.68 મીટરની પૂર્ણ સપાટી સુધી બંધાઇ ચૂક્યો છે તથા ડેમની બાજુમાં વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા બની ચૂકી છે. સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના હૃદયમાંથી નર્મદા ડેમનો અદભુત નજારો માણી શકાય છે. નર્મદા ડેમ આજે 18.45 લાખ હેક્ટર જમીનને સિંચાઇનું પાણી તથા ગુજરાતનાં 11,951 ગામો અને 199 શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે સક્ષમ બન્યો છે, જ્યારે રાજસ્થાનનાં 1336 ગામડાં અને 3 શહેરને પાણી પૂરું પાડે છે.