
સુરેન્દ્રનગર, ચોમાસું શરૂ થતાં પાણીમાં ડૂબવાની ઘટનાઓ વધી જતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબી જતાં બે લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રાના બાવળી ગામ પાસે આ ઘટના બની હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ખેતરમાં કામ કરતો એક પરપ્રાંતિય યુવક નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબ્યો હતો. જેને બચાવવા અન્ય યુવક પણ કેનાલમાં પડ્યો હતો. ત્યારે બચાવવા પડેલ યુવક પણ ડૂબી ગયો હતો.
પાલિકાની ટીમ અને સ્થાનિક તરવૈયાની મદદથી બંને યુવકોના મૃતદેહ બહાર કઢાયા હતા. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર ધ્રાંગધ્રા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.