ભરૂચ, ભરૂચ : લોક્સભા ચૂંટણી ૨૦૨૪ માં ભરૂચ જિલ્લાનું આલીયાબેટ સ્થિત પોલિંગ બૂથ આખા દેશના તમામ મતદાન મથકથી અલગ પડે છે. આલીયાબેટ નર્મદા નદી અને ખંભાતના અખાત વચ્ચે આવેલો વિશાલ બેટ છે જ્યાં પીવાનું પાણી , રસ્તા , વીજળી અને એકપણ પાકું મકાન નથી. બેટ પર રહેતા ૨૫૪ મતદારો માટે ચૂંટણી પંચે અલાયદી વ્યવસ્થા ઉભી કરી છે. બેટ પર કન્ટેનર મુકવામાં આવ્યું છે જેમાં મતદાન થશે. આ અગાઉ અહીંના મતદાન મતદાન કરવા ૮૨ કિલોમીટરનું અંતર કાપીને મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથક પહોંચતા હતા.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની મહેસુલી હદમાં આવેલા અને અંતરિયાળ તેમજ ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયા બેટના ૧૩૬ પુરૂષ અને ૧૧૮ સ્ત્રી મતદારો મળી કુલ ૨૫૪ મતદારો માટે ચૂંટણી વિભાગ દ્વારા શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાયું છે. ખભાતના અખાત અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયા બેટના મતદારો માટે આ વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે.
દેશમાં વર્ષ ૧૯૫૧-૫૨માં દેશભરમાં યોજાયેલી પ્રથમ ચૂંટણી અને ત્યાર બાદ વર્ષ ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી ૭૦ વર્ષ એટલેકે ૭ દાયકા સુધી યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય, લોક્સભા-વિધાનસભા ચૂંટણીઓમાં અહીંના મતદારો નાવડીમાં સવાર થઈને જળમાર્ગે ૧૫ કિમી અથવા આલિયાબેટથી જમીન માર્ગે ૮૨ કિલોમીટર દૂર આવેલા કલાદરા ગામમાં મતદાન કરવા જતાં હતાં.
ભરૂચ જિલ્લાના અંતરિયાળ આલિયાબેટના ભૌગોલિક સ્થાનના કારણે રાજ્ય કે કેન્દ્ર સરકારની સરકારી બિલ્ડીંગ અહીં ઉપલબ્ધ ન હોવાથી શિપિંગ કન્ટેનરમાં મતદાન કરવા માટે હંગામી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અહીં મતદારો સામૂહિક મતદાન કરી લોકશાહીની ફરજ બજાવવા ઉત્સુક છે.
ચૂંટણી પૂર્ણ થયા બાદ કન્ટેનરને પ્રાથમિક સ્કુલમાં તબદીલ કરી દેવામાં આવશે જેમાં હાલ બેટના ૫૦ બાળકોને શિક્ષણ આપવામાં આવશે.અહીં એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે બેટ પાર વીજળી નથી ત્યારે ઉપકરણોને ચલાવવા સોલર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વિજળીથી કન્ટેનરના ટ્યુબલાઈટ અને પંખા ચલાવવામાં આવે છે.કચ્છથી ૩૫૦ વર્ષ પહેલાં જત જાતિના લોકો પશુધન સાથે આલિયાબેટ આવી વસ્યા હતા. જેઓ પાયાની સુવિધાઓ વગર અહીં જીવે છે અને પશુપાલનના વ્યવસાય પર નભે છે.