નર્મદા એલસીબીના અધિકારીઓની રહેમનજર હેઠળ દારૂના અડ્ડા ચાલે છે,મનસુખ વસાવાના ગંભીર આરોપ

ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર છે તે વાત ફરી એક વખત સાબિત થઈ છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. સાંસદ મનસુખ વસાવાએ નાંદોદના ચિત્રોલ-મયાસી ગામે ધમધોખાર વિદેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો કર્યા છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી વિપક્ષના નેતાઓ દ્વારા રાજ્યમાં ખુલ્લેઆમ દારૂના વેપલાને લઈને આક્ષેપો કરવામાં આવતા હતા, પરંતુ હવે ખુદ શાસકપક્ષના સાંસદ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. 

‘મેરી મિટ્ટી મેરા દેશ’ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા એક કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં આક્ષેપ કરતા કહ્યું છે કે, કેટલાક નેતાઓ તો સ્ટાર બેન્ડમાં લોકોને દારૂ પીવડાવીને આખી રાત નચાવે છે, સમાજ સેવા કરવાની તમારી આ નીતિ છે. યુવાનોમાં પડેલી શક્તિને શિક્ષણ તરફ ડાયવર્ટ કરવી જોઈએ, રોજગાર તરફ તેને ડાયવર્ટ કરવી જોઈએ. તો જ યુવાનોનું અને દેશનું ભલું થશે. દેશના પ્રધાનમંત્રી આ માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. 

તેઓએ કહ્યું કે, મને તો થોડી-થોડી ખબર પડી કે સોલીયા ગામમાં મોટા-મોટા બુટલેગરો ફાટી નીકળ્યા છે. આ રોકવું પડે, નહીં તો આ લોકો યુવા પેઢીને બરબાદ કરી નાખશે. મારો ઈતિહાસ જોઈ લેજો, હું તો ગમે એટલો મોટો ચરમબંધી હોય એને પણ ખુલ્લેઆમ બોલી દઉં છું.  આ બુટલેગરો યુવાનોને બરબાદ કરી રહ્યા છે. એકબાજુ દેશના પ્રધાનમંત્રી એમ કહી રહ્યા છે કે મારે સમૃદ્ધ ભારત બનાવવું છે, યુવા ભારત બનાવવું છે, યુવાનોના હાથમાં  દેશને સોંપવાની વાત કરે છે. આવી રીતે બનશે સમૃદ્ધ ભારત.

સાસંદે કહ્યું કે, આ દારૂ વેચવાવાળા અનેકવાર પકડાઈ જાય છે છતાં સુધરવાનું નામ લેતા નથી. ખાલી મનસુખ વસાવા બોલશે એટલું નહીં ચાલે,  બધાએ બોલવું પડશે. સોલીયા જ નહીં ઘણી જગ્યાએ આવા દુષણો ચાલે છે. તેમણે કહ્યું કે, નાંદોદના ચિત્રોલ-મયાસીના એક સમયના મોટા બુટલેગર દિનેશ વસાવાએ પાછું દારું વેચવાનું ચાલું રહ્યું છે. નર્મદા LCB પોતે માથે રહીને ધંધો ચલાવે છે એવી મને ખબર પડી. એલસીબીના અધિકારીઓની રહેમનજર હેઠળ દારૂના અડ્ડા ચાલે છે. 

તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, સોલીયા ગામમાં દર મહિને 35 લાખ રૂપિયાનો એલસીબી હપ્તો લે છે. આવા લોકોથી ડરવાની જરૂર નથી. તિલકવાડામાં મોટા બુટલેગરોને કેટલીક રાજકીય પાર્ટીઓએ જોડી દીધા છે. આવા લોકોને પણ ખુલ્લા પાડવા પડે. નર્મદામાં દારૂ, જુગાર, સટ્ટા બેટિંગનો ધંધો ઘણો ચાલી રહ્યો છે.