નર્મદા કેનાલમાં ૫ લોકો ડૂબવાની ઘટનાને પગલે રાજકીય માહોલ ગરમાયો, કોંગ્રેસી નેતાએ સહાયની માંગ કરી

અમદાવાદ,

રાજ્યભરમાં હાલ ચુંટણીનો માહોલ જામ્યો છે, આ બધાની વચ્ચે ગઈ કાલે રાતે મુન્દ્રાના ગુંદાલા નજીક બનેલી એક ધટનાએ કચ્છમાં અરેરાટી ફેલાવી છે. ગઈ કાલે મોડી રાત્રે મુન્દ્રાના સાડાઉ ગામના અને ગુંદાલા વાડીમાં રહેતા એકજ પરિવારના ૫ સભ્યોના નર્મદા કેનાલમાં ડુબી જવાથી મોત થયા છે. મોડી સાંજે બનેલી આ ધટનાને પગલે સમગ્ર કચ્છમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જો ઘટનાની વિગતે વાત કરીએ તો સાંજે વાડી તરફ જઇ રહેલો પરિવારની એક યુવતી પાણી ભરવા માટે કેનાલમાં ગઇ હતી અને ડુબવા લાગી હતી અને ત્યાર બાદ તેને બચાવવા જતા પરિવારના અન્ય ૪ સભ્યો પણ ડુબી ગયા હતા. લાંબી જહેમત બાદ તમામ મૃતદેહોને બહાર કાઢી લેવાયા છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જોકે સુરક્ષા વગરની ખુલ્લી કેનાલમાં ડુબી જવાની ધટનામાં બેદરકારી અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

તો બીજી તરફ ધટનાની જાણ થતા પોલીસ તથા બચાવ કાર્ય ટીમ સાથે રાજકીય સામાજીક આગેવાનો પણ પ્રચાર વચ્ચે ત્યાં દોડી ગયા હતા. ભાજપના મહામંત્રી અને વર્તમાન માંડવી બેઠકના ઉમેદવાર અનિરૂધ દવે એ પ્રવાસ સ્થગીત કરી ધટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવકાર્યમાં જોડાયા હતા. તો ત્યાર બાદ હોસ્પિટલમાં પણ પરિવારના દુખમાં સહભાગી થયા હતા. તો આતરફ કોગ્રેસના રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી ધટના અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ અને સરકાર તથા મુખ્યમંત્રીને ત્વરીત સહાય આપવા માટેની માંગ કરી હતી. મૃતકોમાં કલ્યાણ દામજી સથવારા,લીલાબેન કલ્યાણ સથવારા,રાજુ ખીમાભાઇ સથવારા,સવિતાબેન રાજુભાઇ સથવારા તથા રસિલા દામજી સથવારાનો સમાવેશ થાય છે. મૃતકોમાં એક કિશોરી બે યુવતી અને બે યુવકોનો સમાવેશ થાય છે. હાલ આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ છે.