નર્મદા ડેમની આસપાસની જમીન સંપાદિત કરવા સ્થાનિકોની માગ, છેલ્લા ૫ મહિનાથી અસરગ્રસ્તો પ્રતીક ઉપવાસ પર

નર્મદા,સરદાર સરોવર નર્મદા ડેમ બનીને તૈયાર થઈ ગયો અને તેનું પાણી ગુજરાતના ઘણા વિસ્તારો સુધી પહોંચી રહ્યું છે. ખેડૂતોને એનો ફાયદો પણ થઈ રહ્યો છે. પરંતુ સરદાર સરોવર નર્મદા ડેમના બન્યો ત્યારે ઘણા લોકો તેનાથી અસરગ્રસ્ત થયા હતા. આ અસરગ્રસ્તો પોતાની માગને લઈને છેલ્લા ૫ મહિનાથી પ્રતીક ઉપવાસ કરી રહ્યા છે. તેમ છતાં સરકાર એમની માગણીઓ પૂરી કરતી નથી. ઉપવાસ કરી રહેલા અસરગ્રસ્તો સરકારે આપેલા વચનો સરકાર પૂરા કરે એવી આશા રાખીને બેઠા છે. સરદાર સરોવરમાં રાજ્યના ૪ હજાર ખાતેદારો અસરગ્રસ્ત થયા છે.

જીકુ તડવીએ જણાવ્યું હતું કે, જ્યારે સરદાર સરોવર નર્મદા ડેમ બનવાની શરૂઆત થઈ ત્યારે સરકારે અમારા વડીલોને કહ્યું હતું કે, અસરગ્રસ્ત પરિવારના એક બાળકને નોકરી મળશે પણ હજુ સુધી કોઈને નોકરી મળી નથી. નર્મદા ડેમ બન્યો ગુજરાતમાં પણ તેની અસર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થઈ. એટલે દરેક રાજ્ય માટે પોલિસી એક સરખી હોવી જોઈએ, જે નથી. ગુજરાતમાં ૧૯૮૦, ૧૯૮૧, ૧૯૮૨ અને છેલ્લે ૨૦૦૩માં જમીન સંપાદન થયું હતું. નિયમ મુજબ કટ ઓફ ડેટથી જ્યારે સંપાદન થાય ત્યારથી ૧૮ વર્ષની ઉંમર થાય એને જમીન આપવી એવી પોલીસી છે. હવે મધ્યપ્રદેશમાં ૩૦-૪૦ વર્ષનાને જમીન મળે છે જ્યારે ગુજરાતમાં ૫૦- ૫૫ વર્ષના લોકોને જમીન મળી નથી.

જીકુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, નર્મદા ડેમ બની ગયો અને ગેટ લાગી ગયા બાદ પાણી વધતા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોના ઘર અને જમીનો સંપાદન કર્યા વગર પાણીમાં ડૂબી ગયા છે. અત્યારે પણ તેમની જમીનો અને મકાનો પાસે પાણી છે. આવવા જવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે. અમારી માગ એવી છે કે વિસ્તારની જમીનો સંપાદીત કરો અને અમને પણ અસરગ્રસ્તના લાભ આપો. રાજ્યપાલના ૧૯૭૩ના પરિપત્ર મુજબ ૧ છોકરાને નોકરી આપો તથા અસરગ્રસ્તોની અન્ય માગણીઓ પૂર્ણ કરો. અગાઉ અમે કેવડીયા ખાતે ૧ વર્ષ પ્રતિક ઉપવાસ કર્યા ત્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. એમને જમીન આપવાનું કહ્યું હતું ત્યારે અત્યાર સુધી એમને જમીન મળી નથી. એ વખતે પીએમ મોદી કેવડીયા આવી રહ્યા હતા એટલે અમે સમાધાન કર્યું હતું. સમાધાન બાદ અમદાવાદ અને ગાંધીનગર ખાતે ૩૦થી વધુ વખત મીટિંગ કરી તે છતાં અમને ન્યાય મળ્યો નથી.