નર્મદા : કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના ૩ સભ્યોના મોત

નર્મદા,

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. જેમાં મોટા ભાગના અકસ્માત હાઇવે પર જ સર્જાતા હોય છે. ત્યારે એકવાર ફરી નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના નિગમ ગામ નજીક બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બાઇક પર સવાર પરિવાર પર કાળ મોત બનીને આવ્યો. આ અકસ્માતમાં એક જ પરિવારના ૩ સભ્યોના મોત નિપજ્યાં છે.

અકસ્માતની મળતી માહિતી મુજબ આ અકસ્માત એટલો જીવલેણ હતો કે પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે કારમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી છે. તેથી એવી ચર્ચા થઇ રહી છે કે કાર ચાલક નશામાં હતો. જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

તેવામાં આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તપાસ બાદ જ કોયડો ઉકેલાશે કે કાર ચાલકે નશામાં પરિવારના ત્રણ સભ્યોનો ભોગ લીધો કે કેમ. તેવામાં હવે સવાલ ઉઠે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂ કેવી રીતે ઝડપાય છે અને ક્યાં સુધા દારૂના ભોગે આવા નિર્દોષ લોકોના જીવ લેવાતા રહેશે.