નારી વંદન ઉત્સવનો પ્રથમ દિવસ,પંચમહાલ જીલ્લો: મુખ્ય મથક ગોધરા ખાતેથી મહિલા સુરક્ષા રેલીને પ્રસ્થાન કરાવતા જીલ્લા પંચાયતના પ્રમુખ

  • બી.આર.જી.એફ ભવન,ગોધરા ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ.
  • મહિલાઓનું સામાજીક અને આર્થિક ઉત્થાન થાય,દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત બને તે જરૂરી – જીલ્લા કલેકટર આશિષ કુમાર.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી શક્તિને વંદન કરવા તથા મહિલાઓના ઉત્કર્ષ માટે રાજ્યભરમાં વિવિધ થીમ હેઠળ નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણીનો શુભારંભ કરાયો છે. ત્યારે 1લી ઓગસ્ટ,2024ના રોજ પંચમહાલ જીલ્લાના મુખ્યમથક ગોધરા કલેકટર કંપાઉન્ડ ખાતેથી જીલ્લા પંચાયતના બી.આર.જી.એફ ભવન સુધી બેટી બચાવો, બેટી પઢાવો’ના સુત્રોચાર સાથે મહિલા સુરક્ષા રેલીનું આયોજન કરાયું હતું. પંચમહાલ જીલ્લા પંચાયતના પ્રમુખ મતી રેણુકાબેન ડાયરા,જીલ્લા કલેકટર આશિષ કુમાર,જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆની ઉપસ્થિતિમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની શાનદાર ઉજવણી કરાઇ હતી.

વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં બી.આર.જી.એફ ભવન, ગોધરા ખાતે યોજાયેલ મુખ્ય કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી. જેમાં મહિલાઓના બંધારણીય હકો, કાયદાઓ, સ્ત્રી શક્તિકરણ, સાયબર ક્રાઇમ, શિક્ષણ, પોષણ અને આરોગ્ય સહિતના વિષય પર સંવાદ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર આશિષ કુમારે જણાવ્યું હતું કે, ભારતનું બંધારણ નાગરિક તરીકે પુરૂષ અને મહિલાઓને સમાન અધિકાર આપે છે. મહિલાઓ અલગ અલગ ક્ષેત્રોમાં આગળ આવે, સમાજમાં મોભાનું સ્થાન મેળવે તથા મહિલાઓનું સામાજીક અને આર્થિક ઉત્થાન થાય તે માટે સરકાર દ્વારા વિવિધ કાયદાઓ અને યોજનાઓ અમલમાં મૂકેલી છે. તેમણે કહ્યું કે, લોકોમાં જાગૃતિ અને ભાગીદારી થકી મહિલાઓ શિક્ષણ થકીઆગળ વધે તે જરૂરી છે. ડિજીટલ યુગમાં સોશિયલ મીડિયાનો સદઉપયોગ થાય તે જોવાનું કામ આપણા સૌકોઈનું છે. તેમણે ખુશી સાથે જણાવ્યું કે,વર્ષ 2023માં આઈ.એ.એસની ગુજરાત બેચ પૈકી 10 માંથી 9 મહિલાઓ રાજયને મળી છે. આમ બદલાતા સમયની સાથે ગ્રામ્ય થી લઈને શહેરી વિસ્તાર સુધી દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત થાય તે જરૂરી છે.

આ પ્રસંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મતી ગાયત્રીબેન પટેલએ ઉપસ્થિતોને શિક્ષણ વિષયક માહિતી આપી હતી. તેમણે મહિલા સશક્તિકરણ,સેલ્ફ ડિફેન્સ સહિત મહિલાઓને શારીરિક,આર્થિક અને માનસિક રીતે પગભર થવા અંગે ચર્ચા કરી હતી. જીલ્લા પોગ્રામ અધિકારીએ સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત પોષણ અને આરોગ્ય વિષય પર સંવાદ સાંધ્યો હતો. જ્યારે પ્રોબેશનલ ડી.વાય.એસ.પી સી.જી.વડોદરીયાએ અભયમ અને શી ટીમ વિશે માહિતી આપી હતી તો પી.એસ.આઈ ચંદ્રેશ વી.ગોસાઈએ સાયબર ક્રાઇમ વિશે સંવાદ સાંધ્યો હતો.

આ તકે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સ્થળ પરથી સરકારની વિવિધ યોજનાઓના લાભ વિતરણ કરાયા હતા.જેમાં વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો,દીકરી વધામણા અને હાઇજેનિક કીટનું વિતરણ કરાયું હતું.વિવિધ ક્ષેત્રોમાં આગળ વધેલી બહેનોનું સન્માન કરાયું હતું તો કરાટે કરતી બાળકીઓએ નિદર્શન રજૂ કર્યું હતું.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ અધિકારી મતી માધવી ચૌહાણે શાબ્દિક સ્વાગત તથા દહેજ પ્રબંધક અધિકારી મતી કિરણબેન તરાળે આભારવિધિ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં જીલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલ,ડી.વાય.એસ.પી દેસાઈ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, મહાનુભાવો સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.