મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે શનિવારે ઈન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં એક ક્લિકથી લાડલી બહેન યોજનાના 1.29 કરોડ લાભાર્થીઓના ખાતામાં 1573 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણની દિશામાં સતત આગળ વધી રહી છે, બહેનોને દર મહિને 1250 રૂપિયાની રકમ આપવામાં આવે છે, અમે તેને હજી વધારીશું.
સીએમએ એલપીજી સિલિન્ડર માટે 26 લાખ બહેનોને રૂ. 55 કરોડ અને 55 લાખ સામાજિક સુરક્ષા પેન્શન લાભાર્થીઓને રૂ. 333 કરોડની રકમ પણ ટ્રાન્સફર કરી હતી.
આ કાર્યક્રમમાં 5 હજાર મહિલાઓએ એકસાથે તલવારબાજીનું પ્રદર્શન પણ કર્યું હતું. સીએમ ડો.મોહન યાદવે પોતે સ્ટેજ પર પોતાના બંને હાથમાં તલવાર લઈને પોતાના કરતબ બતાવ્યા હતા. સામૂહિક તલવારબાજી પ્રદર્શનમાં એક યુવતી ઘાયલ થઈ હતી.
અગાઉ દેવી અહિલ્યાબાઈના કટઆઉટને લઈને વિવાદ થયો હતો. ખરેખર, પીએમ મોદી અને સીએમ યાદવના મોટા કટઆઉટની નીચે દેવી અહિલ્યાના કટઆઉટ મૂકવામાં આવ્યાં હતાં. જેનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. આ પછી તેને હટાવવામાં આવ્યાં હતાં.
મુખ્યમંત્રી ડો. મોહન યાદવે જણાવ્યું હતું કે લાડલી બહેન યોજના સામાજિક જવાબદારી નિભાવવાની એક મોટી પહેલ છે. આ યોજના હેઠળ શરૂઆતમાં દરેક મહિલાને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવતા હતા. આ પછી આ રકમ વધારીને 1250 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી. આ રકમમાં હજુ પણ વધારો કરવામાં આવશે.
CMએ કહ્યું- મહિલાઓને આગળ વધારવા માટે બીજી ભેટ આપવામાં આવી રહી છે. મહિલાઓને હવે સરકારી સેવાઓમાં 33 ટકાના બદલે 35 ટકા અનામત મળશે. મહિલા સશક્તિકરણની દિશામાં આ એક મોટું પગલું હશે.