
ગઈકાલે લેઉવા પટેલના કુળદેવી ખોડિયાર માતાની જયંતી હતી. મહાસુદ આઠમ એટલે કે ખોડિયાર જયંતી. ખોડિયાર જયંતીએ પાટીદારોમાં અનેરો ઉત્સાહ હોય છે. ખોડિયાર જયંતીએ મા ખોડલના પ્રાગટ્ય દિવસ કહેવાય છે. ત્યારે ખોડલધામના ટ્રસ્ટી વિમલ પાદરીયા દ્વારા મા ખોડલને 14 તોલાનો સોનાનો હાર અર્પણ કરાયો હતો. એક કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેને ચૂંટણી લડવાની વાતને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
ખોડલધામ કાગવડ ચેરમેન નરેશ પટેલ માલપુરના પરસોડા ગામમાં ખોડલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે નરેશ પટેલે ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, નરેશ પટેલ ક્યારે ચૂંટણી નહીં લડે, સેવાકાર્યમાં આજીવન જોડાયેલ રહેશે. જે સારા ઉમેદવારોને મારી જરૂર હશે તેને ચોક્કસ મદદ કરીશું. દેશમાં સનાતન ધર્મ એ હાલ ટુરિઝમ તરીકે વિકસ્યું છે એ આનંદની વાત છે.
શ્રી ખોડલધામ મંદિરે ખોડિયાર જયંતીની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરાઈ છે. મા ખોડલને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો હતો. ધ્વજારોહણ અને યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ટ્રસ્ટી વિમલ પાદરીયાએ મા ખોડલને 14 તોલાનો સોનાનો હાર અર્પણ કર્યો હતો. સવારથી જ ભક્તો માટે અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે સૌ ભક્તોને ખોડિયાર જયંતીની શુભેચ્છા પાઠવી હતી.