ICC વન ડે વર્લ્ડ કપ 2023નો શંખનાદ થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે. ભારત પહેલી વખત વર્લ્ડ કપની એકલુ મેજબાની કરી રહ્યુ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 5 ઓક્ટોબરે ટુર્નામેન્ટની પહેલી મેચ રમવામાં આવશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત થશે. 4 ઓક્ટોબરે આ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ઓપનિંગ સેરેમની થશે, જેમાં બોલીવુડની જોરદાર ધમાલ જોવા મળશે.
ઓપનિંગ સેરેમનીમાં એક્ટર રણવીર સિંહ અને એક્ટ્રેસ તમન્ના ભાટિયા પોતાના ડાન્સથી ક્રિકેટ ચાહકોનું મનોરંજન કરશે. દિગ્ગજ ગાયિકા આશા ભોસલે અને જાણીતા પ્લેબેક સિંગર અરિજિત સિંહ પોતાના અવાજનો જાદુ ચલાવશે. આ સિવાય શ્રેષ્ઠ સિંગર શ્રેયા ઘોષાલ પણ પરફોર્મ કરશે. સાથે જ સંગીતકાર અને ગાયક શંકર મહાદેવન પણ પરફોર્મ કરશે. મહાદેવને 2011 ક્રિકેટ વર્લ્ડ કપની થીમ સોન્ગ દે ઘુમાકે ગાયુ હતુ, જે ખૂબ પસંદ કરવામાં આવ્યુ હતુ. તેમણે દે ઘૂમાકેને અહસાન અને લોય સાથે મળીને તૈયાર કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમવામાં આવશે, જેમાં 10 ટીમો ટ્રોફી માટે ટક્કર કરશે. એક ટીમે 9 લીગ મેચ રમવાની છે. ટોપ-4 ટીમ સેમિફાઈનલમાં એન્ટ્રી કરશે. ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે કરશે. જે બાદ ભારતની 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે ટક્કર થશે. ભારત 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે. બંને ટીમ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે.