નરેન્દ્ર મોદી પર ડોક્યુમેન્ટરી બનાવનાર બીબીસી ઉપર પ્રતિબંધ મૂકવાની અરજી

  • અરજદારનો આરોપ- ભારતની અખંડિતા અને એક્તા તોડવાનો પ્રયાસ; એનઆઇએ તપાસ કરે.

નવીદિલ્હી,

ભારતમાં બીબીસી પર પ્રતિબંધ મૂકવાની એક અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં આ અરજી પર સીજેઆઇ ડી. વાય. ચંદ્રચૂડે અરજદારને શુક્રવારે ફરીથી વહેલી સુનાવણીની માગ કરવા કહ્યું હતું. હિન્દુ સેના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ આ અરજી દાખલ કરી છે. હકીક્તમાં ૨૦૦૨નાં ગુજરાત રમખાણો સાથે સંબંધિત ડોક્યુમેન્ટરી ’ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ના પ્રસારણ પર બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન પર સંપૂર્ણ પ્રતિબંધની માગ કરતી પીઆઇએલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજીમાં ભારતમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે. અરજીમાં માગ કરવામાં આવી છે કે મ્મ્ઝ્રએ ભારતની એક્તા અને અખંડિતતાને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. આની તપાસ એનઆઇએ કરે.આ અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ડોક્યુમેન્ટરી વડાપ્રધાન મોદીની છબિને નુક્સાન તો પહોંચાડે જ છે, પરંતુ બીબીસી સાથે જ હિન્દુવિરોધી પ્રાચર પણ કરી રહી છે. ભારતીય સ્વતંત્રતાના સમયથી જ બીબીસી ભારતવિરોધી રહી છે.બીબીસી આઝાદી પછી ભારતમાં ભારતવિરોધી પ્રચાર કરી રહ્યું છે.

પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે પણ બીબીસી પર ભારતમાં બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. ભારતમાં હાજર બ્રિટિશ કર્મચારીઓને દેશ છોડવા માટે જણાવવામાં આવ્યું હતું. ભારતીય કર્મચારીઓને કંપની છોડવામાં કહેવામાં આવ્યું હતું.

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ૧૯૭૫માં કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધ ધરાવતા ૪૧ સાંસદે બીબીસી પર ’ભારતવિરોધી સ્ટોરીઝનું કુખ્યાત પ્રસારણ’ કરવાનો આરોપ મૂક્તું એક સહી કરેલું નિવેદન બહાર પાડ્યું હતું અને સરકારને કહ્યું હતું કે બીબીસીને ફરી ભારતમાં રિપોર્ટ કરવાની મંજૂરી ના આપે. અત્યારે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા અને ઓનલાઇન ચેનલ પર આ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકી દીધો છે યુએસમાં ડોક્યુમેન્ટરીના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે દેશભરની વિવિધ કોલેજો અને યુનિવસટીઓમાં આનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જેનો વિરોધ પણ ખૂબ જ થઈ રહ્યો છે.

આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રીકાળમાં એટલે કે ૨૦૧૪થી ભારતના સમગ્ર વિકાસમાં વેગ આવ્યો છે. આ ભારતવિરોધી લોબી, મીડિયા, એમાં પણ બીબીસી આ વાત પચાવી શક્તી નથી. બીબીસી ભારત અને ભારત સરકાર વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે જ ૨૦૦૨ની ગુજરાત રમખાણોથી સંબંધિત મામલાને બંધ કરી દીધો છે, કારણ કે એ વિશે કોઈ જ પુરાવા મળ્યા નથી કે આ રમખાણોને ગુજરાત રાજ્યના કોઈપણ મંત્રીએ ભડકાવ્યા હોય કે પછી એને પ્રેરિત કર્યા હોય. ગુજરાત હિંસા અંગે નાણાવટી કમિશનના અહેવાલમાં પણ સ્પષ્ટ તારણ આપવામાં આવ્યું છે કે ગુજરાત સરકારના કોઈપણ મંત્રીને હિંસા સાથે જોડવાના કોઈ પુરાવા નથી. બીબીસી પર પ્રતિબંધ મૂકવા માટે ૨૭ જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.