વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતની કમાન સંભાળવા જઈ રહ્યા છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. સૂત્રોએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી ૮મી જૂને રાત્રે ૮ વાગ્યે શપથ લઈ શકે છે. આ કાર્યક્રમ માટે પડોશી દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં ભૂટાન, નેપાળ અને મોરેશિયસના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે.
૨૦૧૯ની લોક્સભા ચૂંટણી બાદ, ભારતે બીઆઇએમએસટીઇસી દેશોના નેતાઓને મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.બીઆઇએમએસટીઇસી એક પ્રાદેશિક જૂથ છે જેમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. ૨૦૧૪ માં, જ્યારે નરેન્દ્ર મોદીએ તેમના પ્રથમ કાર્યકાળ માટે શપથ લીધા ત્યારે, તત્કાલિન પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ સહિત તમામ સાર્ક નેતાઓએ સમારોહમાં હાજરી આપી હતી. વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભૂટાનના રાજા, શ્રીલંકાના રાષ્ટ્રપતિ, નેપાળ, બાંગ્લાદેશ અને મોરેશિયસના વડાપ્રધાનને આમંત્રણ અપાયું છે.
પીએમ મોદીએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સાથે પણ ફોન પર વાત કરી હતી અને બંને નેતાઓએ ‘વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘સ્માર્ટ બાંગ્લાદેશ ૨૦૪૧’ના વિઝનને આગળ વધારવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. એનડીએની જીત પર પીએમ મોદીને અભિનંદન આપનાર પ્રથમ વિદેશી નેતાઓમાં શેખ હસીના પણ સામેલ છે. તેમણે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’, ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથને પણ આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે. વિદેશી નેતાઓને આજે ઔપચારિક આમંત્રણ મોકલવામાં આવશે.
૨૦૧૯માં નરેન્દ્ર મોદીની સાથે ૨૪ કેન્દ્રીય મંત્રીઓએ પણ શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં ૨૪ રાજ્ય મંત્રીઓ અને ૯ સ્વતંત્ર હવાલોને પણ રાષ્ટ્રપતિ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ વખતે મોદી ૩.૦ કેબિનેટમાં એનડીએના સાથી પક્ષોને વધુ પ્રતિનિધિત્વ જોવા મળે તેવી શક્યતા છે . કારણ કે ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી છે.
આ ચૂંટણીમાં ભાજપને ૨૪૦ બેઠકો મળી છે. એનડીએમાં સમાવિષ્ટ ટીડીપીને ૧૬ અને નીતિશ કુમારની પાર્ટી જેડીયુને ૧૨ બેઠકો મળી છે. તે જ સમયે, ચિરાગ પાસવાનની પાર્ટીને પણ પાંચ બેઠકો મળી છે. લોક્સભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુનિયાભરમાંથી સતત શુભકામનાઓ મળી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન તરફથી વડાપ્રધાનને અભિનંદન સંદેશ મોકલવામાં આવ્યા છે.