નરેન્દ્ર મોદી ગુજરાતમાં જાહેર સભાઓ ગજવશે, શહેરી વિસ્તારમાં રોડ શો કરશે

અમદાવાદ, ગુજરાતની ૨૬ બેઠકો સહીત વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ ૯૪ બેઠક માટે આગામી ૭મી મેના રોજ લોક્સભાની ચૂંટણી યોજાશે. લોક્સભાની ચૂંટણીના સાત પૈકી ત્રીજા તબક્કામાં ગુજરાતમાં ચૂંટણી યોજાનાર છે. લોક્સભાની ચૂંટણીમાં ગુજરાતના પનોતા પૂત્ર અને લોકલાડીલા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાઓ અને રોડ શોનું આયોજન ભાજપે ઘડી કાઢ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ચાર ઝોનમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે.

વડાપ્રધાનના ચૂંટણી પ્રચાર અંગે મળતી માહિતી અનુસાર, ૧૯મી એપ્રિલ બાદ મોદી ગુજરાતમાં જાહેરસભાઓ અને રોડ શો કરશે. ગુજરાતના વિવિધ ચાર ઝોનમાં કુલ છથી વધુ જાહેર સભાઓને સંબોધન કરશે. ત્રીજા તબક્કાની ચૂંટણીનુ જાહેરનામુ આગામી ૧૨મી એપ્રિલના રોજ બહાર પડશે. જાહેરનામુ બહાર પડયાના ગણતરીના દિવસોમાં જ મોદી ગુજરાતમાં પ્રચાર શરૂ કરે તેવી સંભાવના છે.

ભાજપે ગુજરાતની ૨૬ બેઠક પરના ઉમેદવારો જાહેર કરી દીધા છે. તમામ ઉમેદવારોના ઉમેદવારીપત્રો ભરવાની તારીખ પણ નક્કી કરી દેવાઈ છે. આ સંજોગોમાં એક દિવસમાં બે સભા તથા એક રોડ શોનું આયોજન કરવા બાબતે પ્લાનિંગ ચાલી રહ્યું છે. ગુજરાતના શહેરી વિસ્તારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે તથા ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સભાનું આયોજન થઈ રહ્યું છે.