અમદાવાદ
અમદાવાદમાં કોરોના બેકાબુ થયો છે. ત્યારે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત – ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી20 સિરીઝની મેચોમાં દર્શકોને આપતા પ્રવેશને લઈ ભારે ચર્ચા જાગી હતી. પરંતુ હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશને પોતાનો નિર્ણય બદલ્યો છે. કોરોના સ્થિતિને ધ્યાને લઇ સાવચેતીના ભાગરૂપે હવે પછી રમનાર આગામી ટી20 મેચોમાં દર્શકોને પ્રવેશ નહીં અપાય તેવો મહત્વનો નિર્ણય જીસીએ લીધો છે.
ઇંગ્લેન્ડ ભારતની ટીમ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે ટી20 મેચો રમાઈ ચુકી છે. જેમાં 50 ટકા પ્રેક્ષકોની હાજરી રહી હતી જોકે જીસીએના આ નિર્ણયને લઈ હવે પછી તા. 16, 18 અને 20 માર્ચે રમનાર મેચમાં કોઈ પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે નહિ. એટલે કે ફરી એકવાર પ્રેક્ષકોની હાજરી વગર જ મેચો રમાશે.
● ટિકિટ ખરીદી હશે તેમને નાણાં પરત કરવામાં આવશે
કોરોનાના વધતા જતા કેસોને કારણે જી.સી.એ. દ્વારા બી.સી.સી.આઇ. સાથે ચર્ચાવિચારણા કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અમદાવાદમાં રમાનારી બાકીની ટી-20 ઇન્ટરનેશનલ મેચો બંધ બારણે રમાડવાનો અને દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે જે લોકોએ ટિકિટ ખરીદી છે તેમને નાણાં પરત આપવાની પોલિસી તૈયાર કરવામાં આવશે. જે લોકોને કોમ્પ્લીમેન્ટરી ટિકિટ આપવામાં આવી છે તેમને સ્ટેડિયમ નહીં આવવા માટે વિનંતી કરવામાં આવે છે, એમ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ જણાવ્યું છે.