
ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાયા પછી 3 મહિના સુધી શહેર-જિલ્લા સંગઠનના પદાધિકારીઓની નવી નિમણૂકો થઇ ન હતી. કદાચ પેટા ચૂંટણીની રાહ જોવાતી હતી. હવે પેટાચૂંટણી થઇ ચૂકી છે. એટલે તેના પરિણામો આવે તે પહેલા જ સંગઠનના નવા માળખાની જાહેરાત કરી દેવાશે, તેવું ભાજપ સૂત્રો જણાવે છે. તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ જ નવા પ્રમુખ સી.આર. પાટિલ પણ કોઇની સાડાબારી રાખ્યા વગર હાલના તમામ કહેવાતા મોટા નેતાઓને બદલી નાંખે તેવી શક્યતા જોવાઇ રહી છે. તેની પાછળનું કારણ એ છે કે ઘણા લાંબા સમયથી સત્તામાં રહેલી પાર્ટીમાં કેટલાક લોકો એવા છે જે ખૂબ લાંબા સમયથી સત્તાનું સુખ ભોગવી રહ્યા છે પરંતુ ઘણા જૂના કાર્યકરો અને નેતાઓ હાંસિયામાં ધકેલાઇ ગયા છે. જેને કારણે અવાર-નવાર પાર્ટીમાં સમસ્યાઓ ઊભી થાય છે.
પ્રદેશ ભાજપના સુકાની તરીકે સાંસદ સી.આર.પાટીલને જવાબદારી સોંપીને ભાજપના હાઈકમાન્ડે સંગઠન માં મોટાપાયે ફેરફાર થાય તેવા સંકેતો આપી જ દીધા હતા. જોકે, રાજ્યમાં પેટા ચૂંટણી અને કોરોનાના વધેલા સંક્રમણને કારણે સંગઠનની રચના અને તેની જાહેરાત ઘોંચમાં પડી હતી. મંગળવારે વિધાનસભાની 8 બેઠકો ઉપરની પેટા ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું હતું. હવે આગામી 10મી નવેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યાં સુધીમાં રાજ્યમા ભાજપના જુદા જુદા શહેર જિલ્લાના એકમો અને પ્રદેશ ભાજપના સંગઠનની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.
સાંસદ સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી પ્રદેશ ભાજપમાં કોને સ્થાન મળશે? તદુપરાંત ખાસ કરીને પ્રદેશ પ્રમુખનું પોતીકુ શહેર સુરતમાં પણ ભાજપનું સંગઠન કેવું હશે? તે અંગેની અનેક અટકળો રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
20મી જુલાઈથી પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે હોદ્દો સંભાળ્યા પછી સી. આર. પાટીલના નિવેદનો, તેમણે લીધેલા કેટલાય નિર્ણય સૂચક ઈશારો પણ કરી ચૂક્યા છે કે, હવે પક્ષનું સંગઠન જૂથ બાજી કરનારાઓના હાથમાં નહીં સોંપવામાં આવે. એટલે ઘણા વર્ષોથી પ્રદેશ ભાજપમાં મહત્વના પદ ઉપર વળગી રહેલા ઘણા ચહેરા સ્થાન નહીં મેળવી શકે, તેવી શક્યતાઓ અસ્થાને નથી. એટલે પ્રદેશ ભાજપના સંગઠનમાં અનેક નવા ચહેરાઓ ચોક્કસ સામેલ હશે. એ જ પ્રમાણે જુદા જુદા શહેર અને જિલ્લાઓના સંગઠનમાં પણ આ જ રીતે સાફ-સફાઈ કરવામાં આવે તેવું માની શકાય છે.
તદુપરાંત જુના જોગી ગોરધન ઝડફિયાને સોંપાયેલી મહત્વની જવાબદારીઓ પણ ઈશારો કરી રહી છે કે જૂના જોગીઓને ફરી ભાજપના સંગઠનમાં સ્થાન મળી શકે તેમ છે. નવા યુવાન ચહેરાઓ સાથે જૂના જોગીઓ ના મિશ્રણ વાળું નવું માળખું હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બીજા શબ્દોમાં વડાપ્રધાન મોદીની કાર્યશૈલી પ્રમાણે ધરમૂળથી ફેરફાર હશે. ખૂબ મોટાપાયે ફેરફારો ધરાવતું પ્રદેશ ભાજપની સાથે શહેરનું નવું સંગઠન હશે તેવું નકારી શકાય તેમ નથી.