મરાઠા આરક્ષણ વિવાદ મામલામાં શિંદે અને ફડણવીસે કહ્યું, ’જાલનામાં જે થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે’

મુંબઇ, જાલના મરાઠા આરક્ષણ આંદોલન દરમિયાન થયેલા વિવાદને લઈને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે જે પણ થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતું. આ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જને બિલકુલ સમર્થન આપી શકાય નહીં. તેમણે કહ્યું કે આ મામલાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ મામલે રાજનીતિ કરવામાં આવી રહી છે અને સરકાર પર લાઠીચાર્જનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે જે બિલકુલ ખોટું છે. તેમણે કહ્યું કે લાઠીચાર્જનો આદેશ એસપી સ્તરના અધિકારી દ્વારા આપવામાં આવે છે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જે સુવિધાઓ અમારી સરકારે ઓબીસી સમુદાયને આપી છે, તે જ સુવિધાઓ મરાઠા સમુદાયને આપવામાં આવી છે. આ આંદોલનની આડમાં કેટલાક લોકો ગંદી રાજનીતિ કરી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેઓ કહી રહ્યા છે કે સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ વટહુકમ લાવવો જોઈએ. આજે તેઓ અમને સલાહ આપી રહ્યા છે, તો જ્યારે તેઓ સરકારમાં હતા ત્યારે તેમણે આ પગલું કેમ ન ભર્યું.

અગાઉ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુણેના મતવિસ્તાર બારામતીમાં મરાઠા સમુદાય અને પક્ષના કાર્યકરોએ જોરદાર વિરોધ કર્યો હતો. આ પ્રદર્શનમાં લોકોએ અજિત પવારની શિંદે સરકારમાંથી બહાર નીકળવાની પણ માંગ કરી હતી. આ દરમિયાન ભીડે ’ગેટ આઉટ, ગેટ આઉટ… અજિત પવાર ગેટ આઉટ’ જેવા નારા પણ લગાવ્યા હતા.