નાની ખજુરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં વિવિધ યોજનાના લાભો ગ્રામજનોને અપાયા

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢબારીયા તાલુકાના નાની ખજૂરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. નાની ખજૂરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના વિઝન હેઠળ પાત્રતા ધરાવતા નાગરિકોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીએ ઉમેર્યું કે, સરકારની કલ્યાણકારી યોજનાઓથી કોઈપણ નાગરિક વંચિત ના રહી જાય એ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. વડાપ્રધાનની આગેવાનીમાં સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ દેશના ગામડે-ગામડે સુધી પહોંચી છે. મંત્રીએ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત વિવિધ સ્ટોલની મુલાકાત લઈને ગ્રામજનોને યોજનાકીય લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.

મંત્રી અને મહાનુભાવોના હસ્તે ગામના વિવિધ લાભાર્થીઓને ખેતીવાડી શાખાની યોજનાઓ, મિશન મંગલમ અંતર્ગત સખી મંડળને સહાય, ટ્રેક્ટર ખરીદીમાં સબસીડી સહાય, પ્રધાનમંત્રી આયુષ્માનકાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પોષણ કીટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સહિત વિવિધ યોજના વગેરેનો લાભ આપવામાં આવ્યો હતો.

મામતલદાર સમીરભાઈ પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન કાર્યક્રમ સમયે મહત્તમ લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ મળી રહે તે ઉમદા હેતુસર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કેમ્પ, આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, પીએમ વિશ્ર્વકર્મા યોજના, પોષણ યોજના, પ્રાકૃતિક ખેતી વેચાણ અને માર્ગદર્શન કેમ્પ, ખેતીવાડીની યોજનાઓ, પશુપાલન સહાય અને મહિલા બાળ વિકાસની યોજના, મિશન મંગલમ, સહિત યોજનાઓના કેમ્પ રાખવામાં આવ્યા હતા. ખેતીવાડી શાખા દ્વારા નાની ખજૂરી ગામે ડ્રોન નિર્દેશન કરીને ખેડૂતોને લાભ લેવા માટે માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જીલ્લા પંચાયત ના સભ્ય ઓ તાલુકા પંચાયતના સભ્ય ઓ સરપંચ ઓ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.