- ૧૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓની ટીમ કરી રહી છે સરપ્રાઈઝ ચેકિંગ
અમદાવાદ,
ચૂંટણીમાં રોકડ નાણાંની હેરફેર રોકવા પોલીસ સતર્ક છે ત્યારે સુરતમાં સારોલી પોલીસની મોટી કાર્યવાહી કરી છે. સારોલી પોલીસે બે વ્યક્તિ પાસેથી ૧ કિલો સોનું તેમજ ૫૦ લાખથી વધુ રોકડા જપ્ત કર્યા છે આ બે વ્યક્તિઓ લકઝરી બસમાંથી ઉતરીને ચાલતા જતા હતા ત્યારે નિયોલ ચેકપોસ્ટ પાસેથી બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા. ઇલેક્શન કમિશન દ્વારા ગેરકાયદે નાંણા તેમજ દારૂની હેરફેર અંગે વિશેષ સર્વેલન્સ ટીમ બનાવવામાં આવી છે. ત્યારે દરેક જિલ્લામાં વિવિધ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ થઈ રહ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ઝોન ૪ પોલીસમાં આવેલા ખટોદરા તેમજ પાંડેસરા પોલીસ મથકની હદમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે ૧૦૦ થી વધુ કર્મચારીઓની ટીમ બનાવી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસના કોમ્બિંગ દરમ્યાન ૩૪૩ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને યાનમાં લઈને સુરત પોલીસ સતર્ક થઇ છે. જે અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય અને ગુનાખોરી પર અંકુશ રાખી શકાય તે માટે સુરત પોલીસ દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરત પોલીસના ઝોન ૪માં આવતા પોલીસ મથકોના વિસ્તારોમાં પોલીસની ટીમો બનાવીને સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઝોન ૪ અંતર્ગત આવતા ખટોદરા તથા પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલા આઝાદ નગર, રસુલાબાદ, બમરોલી, તથા ખાડી વિસ્તારમાં સંયુક્ત રીતે સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સુરત પોલીસે ૧૧ નવેમ્બરના રોજ સરપ્રાઈઝ કોમ્બિંગ તપાસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાંથી અનેક અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી હતી. પોલીસે કુલ ૩૪૩ જેટલા ઇસમો સામે જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. પોલીસે કોમ્બિંગ દરમ્યાન નબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નબર પ્લેટ ધરાવનાર સામે કાર્યવાહી કરી હતી. પોલીસે આવા ૧૨૫ વાહનો, તડીપાર હુકમ ભંગના ૨ , હથિયારબંધી અને જાહેરનામાં ભંગના ૧૧, નોન બેલેબલ વોરંટના ૮ આરોપીઓની અટક, ૬૯ જેટલા શરીર સબંધી આરોપીઓ, ૧૦૬ માથાભારે ઈસમો સામે અટકાયતી પગલા, પીધેલાના ૧૨, તેમજ ગેરકાયદે દારૂની પ્રવુતિ કરતા ૫ ઈસમો મળી કુલ ૩૪૩ લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ સાથે પોલીસે અનેક અસામાજિક તત્વો પાસેથી ગેરકાયદેસર રાખવામાં આવતા જુદા જુદા પ્રકારના હથિયારો પણ કબજે કર્યા હતા.