
નવીદિલ્હી,નાણામંત્રી નિર્મલા સીતારમણ ચાલુ વર્ષે મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણામંત્રી ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. ચૂંટણીનું વર્ષ છે તેથી લોકોની અપેક્ષાઓ પણ વધુ છે.
નાણામંત્રી પાસે નોકરી કરતા લોકોની અપેક્ષાઓ વધુ છે. કરદાતાઓ અને નોકરી કરતા લોકોની અપેક્ષા કર મુક્તિ અંગે છે. પગારદાર વર્ગના લોકોની અપેક્ષા મુજબ નાણામંત્રી આ બજેટમાં માત્ર બે જાહેરાત કરે તો તેમના માટે મોટી રાહત થશે. ટેક્સ મુક્તિની અપેક્ષા રાખતા પગારદાર વર્ગ ઈચ્છે છે કે નાણામંત્રી બજેટમાં બે ફેરફારોની જાહેરાત કરે. તેવી તેમની માંગ છે.
નાણા પ્રધાને વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટ પ્રસ્તાવમાં નવી કર વ્યવસ્થામાં ટેક્સ રિબેટમાં વધારો કર્યો છે. વર્ષ ૨૦૨૩ માટે બજેટની જાહેરાતમાં નવી કર વ્યવસ્થામાં મુક્તિ મર્યાદા ૫ લાખ રૂપિયાથી વધારીને ૭ લાખ રૂપિયા કરવામાં આવી હતી. એટલે કે, જો કોઈ કરદાતા નવી કર વ્યવસ્થા પસંદ કરે છે તો તેણે ૭ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં. હવે નોકરીયાત લોકોને આશા છે કે સરકાર બજેટમાં આ મર્યાદા ૭ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરે. આ બજેટમાં નાણામંત્રી પાસેથી કરદાતાઓને ઘણી અપેક્ષાઓ છે.
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બજેટની જાહેરાતમાં આવકવેરાની જૂની કર વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જૂની ટેક્સ વ્યવસ્થામાં માત્ર ૫ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર જ ટેક્સ રિબેટ મળે છે. એટલે કે, જો કોઈ કરદાતા જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરે છે અને આવકવેરાના વિવિધ વિભાગો હેઠળ કપાતનો લાભ મેળવે છે અને તેની વાર્ષિક આવક ૫ લાખ રૂપિયા સુધીની છે, તો તેણે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. કર્મચારીઓ જૂની ટેક્સ સિસ્ટમમાં રિબેટ વધારવાની આશા રાખી રહ્યા છે. લોકોને આશા છે કે સરકાર લોક્સભાની ચૂંટણી પહેલા નોકરિયાત વર્ગને મોટી રાહત આપી શકે છે જો કે કરદાતાઓને રાહત મળે છે કે નહીં તે ૧ ફેબ્રુઆરીએ જ ખબર પડશે.