- દુકાળની સ્થિતિ વકર્યા બાદ આ વર્ષે મે મહિનામાં કટોકટી જાહેર કરવામાં આવી હતી
છેલ્લા ૧૦૦ વર્ષના સૌથી ભયાવહ દુકાળનો સામનો કરી રહેલા નામિબિયાએ ભૂખમરાથી અસરગ્રસ્ત દેશવાસીઓના પેટ ભરવા હાથી, હિપ્પોપોટેમસ, હરણ, સાબર અને ઝિબ્રા સહિત ૭૦૦થી વધુ વન્ય પશુઓની ક્તલ કરવાનો નિર્ણય લીધો છે.
આ પશુઓની ક્તલ કરીને તેમનું માંસ ભૂખમરાગ્રસ્ત લોકોમાં વહેંચવામાં આવશે. નામિબિયાના વન, પર્યાવરણ અને પ્રવાસન મંત્રાલયના જણાવ્યા મુજબ કુલ ૭૨૩ વન્ય પશુઓની ક્તલ કરાશે, જેમાં ૩૦૦ ઝિબ્રા, ૧૦૦ બ્લૂ વાઇલ્ડર બિસ્ટ, ૧૦૦ સાબર, ૮૩ હાથી, ૬૦ ભેંસ, ૫૦ ઇમ્પાલા (દક્ષિણ આફ્રિકન નાના હરણ) અને ૩૦ હિપ્પોપોટેમસનો સમાવેશ થાય છે. આ વર્ષે મે મહિનામાં દુકાળની સ્થિતિ વકરતાં નામિબિયાએ કટોકટી જાહેર કરી હતી. દેશમાં અંદાજે ૧૪ લાખ લોકો(૫૦ ટકાથી વધુ વસ્તી) ભોજનની અત્યંત ગંભીર અસલામતીની સ્થિતિમાં છે. નામિબિયામાં ભૂખમરાને કારણે મોંઘવારી, અર્થતંત્રને ફટકો અને બેરોજગારી જેવી સમસ્યાઓ પણ વિકરાળ બની છે.
ક્તલ કરવા માટે પશુઓ નામિબ નૌકલુટ પાર્ક, માંગેટ્ટી નેશનલ પાર્ક, બ્વાબ્વાટા નેશનલ પાર્ક, મુડુમુ નેશનલ પાર્ક અને ક્ધાસા રૂપારા નેશનલ પાર્ક સહિતના નેશનલ પાર્ક્સ તથા કોમ્યુનલ એરિયામાંથી લવાશે અને પ્રોફેશનલ શિકારીઓ દ્વારા તેમનો શિકાર કરાશે. વન, પર્યાવરણ અને પ્રવાસન મંત્રાલયે ઉમેર્યું હતું કે હાથીઓની ક્તલથી મનુષ્યો સાથે તેમના ઘર્ષણના બનાવોમાં પણ ઘટાડો થશે. સાથે જ વન્ય ક્ષેત્રોના જળ સંસાધનો પરનું ભારણ પણ ઘટશે.
નામિબિયામાં દુકાળ બાદ અત્યાર સુધીમાં ૨૬૨ પશુઓની ક્તલ થઇ ચૂકી છે, જેમાં માંગેટ્ટી નેશનલ પાર્કમાં ૧૫૭, મહાંગોમાં ૨૦, ક્વાન્ડોમાં ૭૦, બફેલોમાં ૬ અને મુડુમોમાં ૯ પશુઓની ક્તલનો સમાવેશ થાય છે. આ વન્ય પશુઓના શિકાર થકી કુલ ૧.૨૫ લાખ કિલો માંસ મેળવીને ભૂખમરાથી અસરગ્રસ્ત લોકોમાં વહેંચવામાં આવ્યું હતું.
દક્ષિણ આફ્રિકા હાથીઓનો ગઢ ગણાય છે, જ્યાં અઢી લાખથી પણ વધારે હાથીઓ છે. જોકે નામિબિયાના દુકાળને કારણે જળ ોતો સુકાઇ જવાથી છેલ્લા એક વર્ષમાં સંખ્યાબંધ હાથીઓ મોતને ભેટયા હોવાના અહેવાલ છે. ઝિમ્બાબ્વેમાં પણ દુકાળને કારણે ગયા વર્ષે ત્યાંના સૌથી મોટા નેશનલ પાર્કમાં ૧૦૦ જેટલા હાથીઓના મોત થયા હતા. ઝિમ્બાબ્વે, ઝામ્બિયા, બોત્સવાના, અંગોલા અને નામિબિયામાં ફેલાયેલા દક્ષિણ આફ્રિકાના કાવાંગો-ઝામ્બેઝી (કાઝા) કન્ઝર્વેશન એરિયામાં અંદાજે ૨.૨૮ લાખ હાથીઓ છે, જે પૈકી નામિબિયામાં ૨૧,૦૦૦ હાથીઓ હોવાનો અંદાજ છે.
નામિબિયા સહિત દક્ષિણ આફ્રિકાના ઘણા દેશો અલ નિનોના પરિણામે વિનાશક દુકાળનો સામનો કરી રહ્યા છે. અલ નિનોથી આ પ્રદેશમાં વરસાદમાં તીવ્ર ઘટાડો થયો છે. અસહ્ય ગરમી સાથે વરસાદની અછતને કારણે આ પ્રદેશમાં પાક સુકાઇ ગયો છે અને ભૂખમરો વયો છે, જેના કારણે સેંકડો લોકો અસરગ્રસ્ત થયા છે. નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા પ્રમાણે ક્લાઇમેટ ચેન્જને કારણે અલ નિનોની સ્થિતિ હજુ વધારે વકરી શકે છે અને મહત્તમ તાપમાનના નવા વિક્રમો સર્જાઇ શકે છે.
દુકાળથી નામિબિયામાં અનાજનું ઉત્પાદન ૫૩ ટકા ઘટયું છે અને ડેમોમાં જળસપાટી ૭૦ ટકા સુધી ઘટી ગઇ છે. ગત ૨૨ મેના રોજ દેશમાં કટોકટી જાહેર કરાઇ હતી. તે પહેલાં મલાવી, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેએ પણ દુકાળને પગલે કટોકટી જાહેર કરી હતી.