દાહોદ જિલ્લામાં નકલી એનએના હુકમ પ્રકરણે રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. જમીન માફિયાઓ દ્વારા ભ્રષ્ટ સરકારી બાબુઓ સાથે જ ખભે ખભા મિલાવીની દલા તરવાડીની વાડીની જેમ 73/એએની જમીનો કબજે કરી લીધી છે. જિલ્લામા કરોડોની કિંમતની જમીનોના 179 સરવે નંબરની જમીનો નકલી એનએ હુકમના આધારે બિનખેતી કરી લેવાઇ હોવાનું બહાર આવ્યંુ છે. ત્યારે આ કૌભાંડની સમાંતર જ દાહોદ નજીક રળિયાતી સંગામાં જમીન માફિયાઓએ એક જમીનમાં માપના આંકડામાં ફેરફાર કરીને પ્રોપર્ટી કાર્ડની નકલ ઘુ઼સાડી દીધી હતી. અને જમીનના માપમા વધારો બતાવીને પોતાના નામે સરકારી ચોપડે કરી હતી. ઉલ્લેખનિય છેકે, આ જમીનનું અસ્તિત્વ માત્ર પ્રોપર્ટી કાર્ડમાં જ હતુ જેથી બાજુની 73 એએના નિયંત્રણ વાળી જમીન પર ડોળો નાખીને જમીન હડપી પ્લોટીંગ કરતાં તેની ઉપર ઇમારતો ચણાઇ ગઇ છે. જોકે તેમાં 21થી વધુ લોકોને 6 કરોડથી વધુના દસ્તાવેજો કરી આપતા મુળ માલીક દ્વારા મામલાને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
દાહોદ શહેર નજીક આવેલા રળિયાતી ગામના સાંગા વિસ્તારમાં કૌભાંડી ટોળકી અને સરકારી અધિકારીઓ સાથે મળીને 376/1/1 વાળા સર્વે નંબરના પ્રોપર્ટી કાર્ડમાં જમીનના માપમાં આંકડાના ફેરફાર સાથે પ્રોપર્ટી કાર્ડની નકલી નકલ સિટી સર્વેમાં ઘુસાડી દીધી હતી. જમીનના માપમાં વધારો થઇ જતાં ભૂતકાળમાં પોતે વેચેલી મિલ્કત સિવાયની પણ જમીન સરકારી કાગળ ઉપર હારૂન પટેલના નામે બોલતી થઇ ગઇ હતી. જોકે, આ જમીનનું અસ્તિત્વ માત્ર પ્રોપર્ટી કાર્ડની નકલમાં જ હતી.જેથી આ સર્વે નંબર પાસે જ આવેલા 73 એએના નિયંત્રણ વાળી 387 નંબરની જમીનના કેટલાંક ભાગ ઉપર ડોળો ફેરવ્યો હતો.
હારૂન પટેલ,શૈશવ પરીખ અને કુત્બી રાવતે સરકારી અધિકારીઓ સાથે મળીને 376/1/1માં પૈકી 4/ 1નો ઉમેરો કરીને 387/2 વાળી જમીન હારૂન પટેલની માલિકીની જ છે તેમ દર્શાવીને 2 હેક્ટર 66 ગુંઠા અને 8 ચો.મી જમીનમાં મુફદ્દલ એક્લેવના નામે સ્કીમ મુકાઇ હતી. 21થી વધુ લોકોને વેચાણ કરીને 6 કરોડ રૂપિયાના કાયદેસરના દસ્તાવેજ કરી આપ્યા હતાં. અહીં બાંધકામ કરીને વેપારીઓએ પોતાના વેપાર ધંધા પણ જમાવી લીધા છે. નકલી એનએ કૌભાંડનું ભૂત ધુણ્યા બાદ આ ગંભીર બાબત સામે આવી છે. 387/2 વાળી જમીનના ખરેખરના માલિક છે તેનો પણ હક છે જ્યારે સિટિ સર્વેની નકલોના આધારે ખરીદી કરીને દસ્તાવેજ કરાવનાર લોકો પણ પોતાની જગ્યાએ સાચા હોવાનું જણાઇ રહ્યુ છે. ત્યારે હવે આ પ્રકરણમાં આગળ વધવા માટે તંત્ર પણ માથુ ખંજવાળી રહ્યુ છે. કાયદેસરના જમીન માલિક દ્વારા જાથુના કાયમી મનાઇ હુકમ અને ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટેનો કોર્ટમાં દાવો દાખલ કરાયો છે.
પાડોશમાં આવેલા બંને સરવે નંબરોનો નકશો. આ બંને સરવે નંબરોના ઘણા ભાગ પડી ગયા છે. જેમાંથી નિયત સરવે નંબરમા કૌભાંડ અચરાયું છે.
શૈશવ અને રામુએ ડેવલપર્સને કહ્યું હતું, બધુ સેટિંગ થઇ ગયું છે ઝકરિયા ટેલરની જમીનમાં મૂકેલા પ્રોજેક્ટમાં 400 મકાનોની સ્કીમ હતી. ડીલ થયા બાદ ડેવલપર્સ દ્વારા બેંકમાંથી લોન લેવા પ્રોસેસ કરી હતી પરંતુ 2023માં સરવે નંબર 303,305 અને 306ના એનએના હુકમો શંકાસ્પદ હોવાથી લોન થઈ નહોતી. આ મામલે ડેવલપર્સે શૈશવનું ધ્યાન દોરતાં સેટિંગ થઇ ગયું છે કહ્યાના પાંચ માસ બાદ શૈશવ અને રામુ પંજાબીએ અમે બધુ સેટીંગ કરી દીધુ છે તેમ જણાવ્યું હતું પણ અંતે ગુનો દાખલ થયો હતો.
2015થી અત્યાર સુધીના સિટિ સરવેના 50 કર્મી રડારમાં
દાહોદ જિલ્લામાં 2011થી 2022 સુધી નકલી હુકમના આધારે જમીન એનએ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે સિટી સરવે કચેરી પૂરી રડારમાં છે. આ બંને પ્રકરણને ધ્યાને લઇને વર્ષ 2015થી માંડીને વર્તમાનમાં ફરજ પરના સિટી સરવે સુપ્રિટેન્ડેન્ટથી માંડીને પટાવાળા સુધીના 50 કર્મચારીઓ પોલીસની રડારમાં છે.
શૈશવ-કુત્બી સામાનની ખરીદી બાદ ચેક હારૂનના નામની આપતા હતા
આ પ્રકરણ હારુન પટેલની જમીન નકલી હુકમથી એનએ થઇ હતી. આ કેસમાં પ્લોટના વેચાણના પૈસા હારુન પટેલના ખાતામાં જમા થતા હતા પરંતુ શૈશવ કે કુત્બી ખરીદી કરે તો તેઓ હારુનના નામનો ચેક આપતા હતાં.