નલિયા સામૂહિક દુષ્કર્મ કેસમાં 8 વર્ષે ચુકાદો:ભુજ સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે 8 આરોપીને નિર્દોષ જાહેર કર્યા

કચ્છના નલિયામાં વર્ષ 2016માં બનેલા ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં ભુજ સેશન્સ કોર્ટે આજે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં તમામ 8 આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં 2017માં ફરિયાદ નોઁધાઈ હતી.

સરકાર દ્વારા ખાસ વકીલની નિમણૂક કરાઈ હતી આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી હતી અને કેસની તપાસ કરવામાં આવી હતી. વધુમાં, કેસની ટ્રાયલ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ સરકારી વકીલની નિમણૂક પણ કરવામાં આવી હતી.

ફરિયાદી યુવતી હોસ્ટાઇલ થઈ ગઈ હતી કેસમાં સૌથી મહત્ત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે મુખ્ય ફરિયાદી યુવતી, જે કેસની મહત્ત્વની સાક્ષી હતી તે પોતે જ પાછળથી હોસ્ટાઈલ થઈ ગઈ હતી. આ કારણે કેસ નબળો પડ્યો હતો. પુરાવાના અભાવે કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડવાનો નિર્ણય લીધો છે. આ કેસે એ સમયે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી હતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા, જોકે આજના ચુકાદા સાથે આ કેસનો અંત આવ્યો છે.

જાન્યુઆરી 2017માં ફરિયાદ નોંધાઈ હતી 25 જાન્યુઆરી 2017ના રોજ નલિયા દુષ્કર્મકાંડની ફરિયાદ પીડિતા દ્વારા નોંધાયા બાદ રાજકીય હોબાળા વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. દુષ્કર્મકાંડના કુલ 8 વગદાર તહોમતદારને પોલીસે ફરિયાદ બાદ તાત્કાલિક ઝડપી લીધા હતા અને તેમાંથી જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા તેમને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા.