કલકત્તાનો નકલી તબીબ ધાનપુરમાંથી ઝડપાયો:મેડિકલ ડિગ્રી વગર સારવાર કરતા શખ્સ પાસેથી 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામે એસઓજી પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. પોલીસે મેડિકલ ડિગ્રી વગર લોકોની સારવાર કરતા નકલી તબીબને ઝડપી પાડ્યો છે. આરોપી પોરવાસ સંતોષ બિસ્વાસ મૂળ પશ્ચિમ કલકત્તાનો રહેવાસી છે અને હાલમાં દાહોદની જીવનદીપ સોસાયટીમાં રહે છે.

એસઓજી પોલીસને બાતમી મળી હતી કે ઉંડાર ગામના સરપંચ ફળિયામાં એક વ્યક્તિ નામ વગરનું ક્લિનિક ચલાવી રહ્યો છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી ક્લિનિકમાં દર્દીઓની સારવાર કરતો મળી આવ્યો હતો.

પોલીસે સ્થળ પર મેડિકલ ઓફિસરને બોલાવીને તપાસ કરાવતા આરોપી પાસે કોઈ મેડિકલ ડિગ્રી ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની દવાઓ, ગોળીઓ, ઇન્જેક્શન, બોટલ અને અન્ય મેડિકલ સાધનસામગ્રી મળી કુલ રૂપિયા 1,00,435નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દાહોદ એસઓજી પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.