નકલી સરકારી અધિકારી બનાવના કિસ્સા સતત સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના પાલડી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વ્યક્તિને પોતાની ઓળખ IAS અધિકારી તરીકે આપીને સરકારી કામ માટે બે ઇનોવા ભાડે લીધી. ત્યારબાદ બોગસ લેટરના આધારે તેમાં સાયરન અને પડદા લગાવીને અનેક જગ્યાઓ પર ફરીથી તોડ કરવાની સાથે મોરબીમાં રહેતા ગઠિયાએ અનેક લોકોને સરકારી નોકરી માટેનો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીનો ખોટો લેટર આપીને અનેક લોકો પાસેથી લાખો રુપિયા ખંખેર્યાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધવામાં આવી છે. પોલીસે મેહુલ શાહની ધરપકડ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
ક્લાર્કની નોકરીની લાલચ આપીને 3 લાખ પડાવ્યા શહેરના પાલડીમાં આવેલા આર્યન ફ્લેટ ખાતે રહેતા પ્રતિક શાહ કાર રેન્ટલનો વ્યવસાય કરે છે. ગત છ સપ્ટેમ્બરના રોજ તેમને મેહુલ શાહ નામના વ્યક્તિનો કોલ આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ IAS અધિકારી તરીકે આપી હતી. તેણે પ્રતિકભાઇને જણાવ્યું હતું કે, તેને સરકારી કામ ઇનોવા કારની જરૃર છે. જેથી પ્રતિકભાઇએ પ્રતિદિન 3500 રૃપિયા ભાડુ , ડીઝલનો ખર્ચ નક્કી કરીને મેહુલ શાહે કારમાં સાયરન અને પડદા લગાવવા માટેનો ગૃહ મંત્રાલયના સચિવની સહીવાળો લેટર આપીને સાયરન અને પડદા લગાવ્યા હતા. આ ઉપરાંત તેણે 19મી ઓક્ટોબરે કોલ કરીને પોતે અસારવા સ્કૂલનો ટ્રસ્ટી હોવાથી સ્કૂલન્સ ટુર માટે બે લક્ઝરી બસ ભાડે મંગાવી હતી અને મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલા શ્રીજી એપાર્ટમેન્ટમાં તેને પરિવારને લાવવા મૂકવા માટે કાર મંગાવી હતી. ત્યારબાદ તેણે અન્ય ઇનોવા કાર ભાડે લઇને તેમાં પણ સાયરન અને પડદા લગાવ્યા હતા. ફક્ત એટલું જ નહિ એક વ્યક્તિના દીકરાને અસારવામાં આવેલી વિશ્વ વિદ્યાલયમાં ક્લાર્કની સરકારી નોકરી અપાવવાનું કહીને ત્રણ લાખ રૃપિયા લઇને જિલ્લા શિક્ષણાધિકારી આર.એમ ચૌધરીની સહીવાળો બનાવટી લેટર પણ આપ્યો હતો. બાદમાં ઇનોવાનું ભાડુ આપવાનું થતા તે ફોન સ્વીચ ઓફ કરીને ફરાર થઇ ગયો હતો.
ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. જયેશ મકવાણાએ આ સમગ્ર ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે, આરોપીએ પોતાની ઓળખ રેવન્યુ વિભાગમાં ડાયરેકટર (IAS)તરીકેની આપી હતી. તેણે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલોપમેન્ટના લેટરપેડ પર 5 વર્ષ માટે ખોટો વર્ક ઓર્ડર આપ્યો હતો. આ સિવાય આરોપીએ અસારવાના વિશ્વ વિદ્યાલય સ્કૂલના ટ્રસ્ટી હોવાની પણ ઓળખ આપી હતી. ફરિયાદીના દીકરાને નોકરી લગાવવા DEO આર.એમ ચૌધરીના લેટરપેડ પર નોકરીનો ઓફર લેટર આપ્યો હતો જેના માટે 3 લાખ રૂપિયા લીધા હતા. પોતાની સ્કૂલમાં કલરકામ બહાને ઠગાઈ કરી હતી. હકીકતમાં આરોપી ભારત સરકાર કે ગુજરાત સરકારનો કોઈ હોદ્દો ધરાવતો નથી. આરોપી પાસેથી નકલી વર્ક પરમીટ અને નકલી નિમણૂક પત્ર પણ મળી આવ્યા છે. અત્યાર સુધી 3 લોકો ભોગ બન્યા છે.
વધુમાં જણાવ્યું કે, આરોપી મોરબીના વાંકાનેરમાં બે સ્કૂલનું સંચાલન કરે છે .વાંકાનેર જ્યોતિ વિદ્યાલય અને કિડસ સ્કૂલ.1 લાખ રોકડા, ભારત સરકારનું આધાર કાર્ડ, રેવન્યુ ડિપાર્ટમેન્ટનું રાષ્ટ્રમુદ્રાવાળું એક ઓળખ પત્ર, સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનું એક ઓળખ પત્ર, ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટનો લેટર, રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટનો લેટર, જિલ્લા શિક્ષણ અધિકારી શહેરની કચેરીનો લેટર, પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મુખ્યમંત્રી યોજનામાં કોન્ટ્રાક્ટ આપવા અંગેનો પત્ર,મેહુલ શાહ ચેરમેન સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલોપમેન્ટના 29 લેટરપેડ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે. આરોપી સપ્ટેમ્બરથી છેતરપિંડી કરતો હતો.આરોપી પોતે અધિકારી હોવાની બતાવવા ભાડે બાઉન્સર રાખતો હતો. આરોપી સાથે કોણ સંડોવાયેલું છે? તેની તપાસ કરવામાં આવશે.
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મેહુલ શાહે કાર ભાડે કરીને સરકારી વિભાગમાં ઉચ્ચ અધિકારી હોવાનું કહીને અનેક લોકો પાસેથી લાખો રૃપિયા પડાવીને છેતરપિંડી આચરી હતી. આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે તેની ધરપકડ કરીને તપાસ શરૃ કરી છે. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ મકવાણાએ જણાવ્યું કે, મેહુલ શાહે બીઇ મીકેનીકલનો અભ્યાસ કર્યો છે અને વાંકાનેરમાં જ્યોતિ સ્કૂલ અને કીડ્સ વર્લ્ડ નામની સ્કૂલનું સંચાલન કરે છે. IAS તરીકે રૃઆબ જમાવવા માટે તે પોતાની ઓળખ ગૃહ વિભાગના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવેલોપમેન્ટના ચેરમેન તરીકે ઓળખ આપીને લોકો પાસેથી અલગ-અલગ લાલચ આપીને નાણાં ઉઘરાવતો હતો. તેણે વર્ષ 2018થી વાંકાનેરમાં જ IASના બનાવટી લેટર બનાવ્યાનો ખુલાસો થયો છે. આ કેસમાં હજુ અનેક ભોગ બનનાર સામે આવી શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે.