મહેસાણા, મહેસાણા જિલ્લાના બહુચરાજીમાંથી નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ છે. પોલીસ નકલી માર્કશીટ બનાવતા ૨ આરોપીઓની ધરપકડ કરી છે. બહુચરાજીમાં ઝેરોક્ષની દુકાનમાં આ નકલી માર્કશીટ બનાવાતી હોવાનું સામે આવ્યુ છે. માત્ર રૂ.૧૫૦૦માં જ ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાનું રેકેટ ઝડપાઇ ગયુ છે.
મળતી માહિતી પ્રમાણે મહેસાણાના બહુચરાજીમાં આદિત્ય કોમ્પલેક્સમાં આવેલા અંબિકા ઝેરોક્ષમાં નકલી માર્કશીટો બનાવવામાં આવતી હતી. ધોરણ ૧૦, ૧૨, આઇટીઆઇ,ડિપ્લોમાની નકલી માર્કશીટ અહીં બનતી હતી. કોમ્પ્યુટરમાં તૈયાર ફર્મા રાખી નામ બદલીને માર્કશીટ બનાવવામાં આવતી હતી. આ માર્કશીટનો બહુચરાજીની નજીકની કંપનીઓમાં નોકરી મેળવવા માટે ઉપયોગ થતો હતો.
અહીંથી નકલી માર્કશીટ બનાવીને લોકો મારુતિ સુઝુકી, હાંસલપુર અને હોન્ડાના વીઠલાપુર પ્લાન્ટમાં નોકરી મેળવતા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે. સ્થળ પરથી પોલીસે નકલી માર્કશીટો, લિવિંગ સર્ટિફિકેટ , કોમ્પ્યુટર, પ્રિન્ટર ઝડપી લીધુ છે. બહુચરાજી પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કુલદીપ હરગોવિંદ સોલંકી નામના ઝેરોક્ષની દુકાનના સંચાલક સહિત પોલીસે ૨ લોકોની ધરપકડ કરી છે. પોલીસે બે લોકોની ધરપકડ બાદ તેમની પુછપરછ શરુ કરી છે. અત્યાર સુધીમાં કેટલી માર્કશીટ બનાવવામાં આવી છે. તેમજ નકલી માર્કશીટનો ઉપયોગ કયાં કરાયો અને કેટલા લોકોએ નકલી માર્કશીટનો ઉપયોગ કરીને નોકરી મેળવી છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.