દાહોદ, રાજ્યમાં ચકચાર મચાવનાર નકલી કચેરી કૌભાંડમાં દાહોદ પોલીસે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં તત્કાલીન ટ્રાયબલ કચેરીના અધિકારીના પી.એ.નો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં આ કેસમાં પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે.
રાજ્યભરમાં ચકચાર મચાવનાર નકલી કચેરી કૌભાંડની શરૂઆત બોડેલીથી થઈ હતી.જે બાદ અન્ય આદિવાસી જીલ્લાઓમાં પણ તેના તાર સામે આવ્યા છે. દાહોદમાં પણ કૌભાંડી ટોળકીએ 6 જેટલી નકલી સરકારી કચેરીઓ ઉભી કરીને 18.59 કરોડની ગ્રાન્ટ સરકાર પાસેથી મેળવી લઈને રાજ્યસરકારને કરોડોનો ચૂનો ચોપડી દીધો છે. જેમાં મુખ્યસૂત્રધાર સંદીપ રાજપૂતની સંડોવણી બહાર આવતાની સાથે જ દાહોદ પોલીસે સંડોવાયેલા સરકારી કર્મચારીઓની ધરપકડ શરૂ કરી છે દાહોદ પોલીસે આજે નકલી કચેરી કૌભાંડમાં તત્કાલીન ટ્રાયબલ અધિકારી બી.ડી. નિનામાંના પી.એ. મયુર પરમાર સહિત 5 ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ટ્રાયબલ કચેરીના આસિસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર પુખરાજ રોઝ, કોમ્પ્યુટર ઓપરેટર પ્રદીપ મોરી, મદદનીશ કમિશ્ર્નર આદિજાતિ વિકાસ કચેરીના ગિરીશ પટેલ,આસિસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર પ્રયોજના કચેરી લુણાવાડાના સતિષ પટેલની ધરપકડ કરવામાં આવી છે. હાલ સુધી સમગ્ર કૌભાંડમાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ભવિષ્યમાં અન્ય કેટલાક નામો ખુલે તેવી શક્યતાઓ છે. ગતરોજ દાહોદ પોલીસે પકડેલ પાંચ આરોપીઓમાં દાહોદ પ્રાયોજના કચેરીમાં કર્મચારીઓ તેમજ કરાર આધારિત કર્મચારી જેમાં મયુર પ્રકાશભાઈ પરમાર, પુઝરાજ રોઝ, પ્રતિકભાઈ મોરી, ગીરીશભાઈ દલાભાઈ પટેલ અને સતિષ અશોકભાઈ પટેલનાઓ જેતે સમયે દાહોદ પ્રાયોજના કચેરી, દાહોદ ખાતે ફરજ બજાવતાં હતાં. અલગ અલગ ગ્રાન્ટોના ટેબલ સંભાળતાં હતાં. આ ઓફિસ કેમ્પમાં જે 100 જેટલા કોન્ટ્રાક્ટ આરોપીઓએ લીધેલા અને 18 કરોડ જેટલી રકમ થવા પામે છે. આ મોટા ભાગની કોન્ટ્રાક્ટની ફાઈલો આ લોકોના ટેબલથી ઓપરેટર કરવામાં આવતી હતી. વેરીફાઈ કરવામાં આવતી હતી અને એમાં નોટીક કરીને મોકલવામાં આવતી હતી. આ પાંચેય આરોપીએ જાણી જોઈને આ ખોટી કચેરી છે, જે બાબતે કોઈના ધ્યાનમાં મુકેલ નહીં અને જે બદલામાં નાણાંકીય લાભો મેળવ્યાં હતા. જેના પુરતા પુરાવાઓ દાહોદ જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક અને આ કેસની તપાસ કરનાર કે. સિધ્ધાર્થને પ્રાપ્ત થતાં ગઈકાલે ઉપરોક્ત પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.