નકલી બિયારણ કૌભાંડમાં સામેલ સામે કડક પગલાં ઝડપી ભરવા પડે

ખેતીની આવકનો આધાર સારા બિયારણો છે. બિયારણની ભૂમિકા ૬૦% છે. ખાતર, પાણી, હવામાન, જમીનનો હિસ્સો ૪૦% છે. બિયારણ સારૃં હોય તો જ સારું ઉત્પાદન મળે. નકલી બિયારણના કારણે ખેજૂતને કૃષિ ઉત્પાદન ગુમાવવું પડે છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં નકલી બિયાણનો ધંધો હજારો કરોડ રુપિયાનો થતો જાય છે ! ખેડૂતો બિયારણ વાપરે છે તેમાં માંડ ૨૦થી ૨૫% બિયારણ સરકારી એજન્સી સર્ટીફાઈડ હોવાની વાત ચિંતાજનક છે. ૨૫% બિયારણ જ સટફાઈડ હોય તો બાકીનું બિયારણ રિસર્ચના નામે કે લેબલ સીડ્સના નામે વેચાય છે. આ ૨૫%માં, કપાસના બિયારણનો સમાવેશ થતો નથી. એટલે કપાસના બિયારણમાં જેને જે કરવું હોય તેની છૂટ છે? કપાસના બિયારણને સરકારે માન્યતા આપી નથી છતાં વેચાય છે. રાજકોટના શાપર-વેરાવળના ગોડાઉનમાંથી ૨.૮૩ લાખના કપાસના નકલી બિયારણની ૪૦૫ થેલીઓ જપ્ત કરી છે. આ નકલી બિયારણ એક બેગનો ભાવ રુપિયા ૪૭૫ હતો પરંતુ ખેડૂતોને રુપિયા ૧૦૦૦થી ૧૫૦૦માં વેચાતું ! નકલી બિયારણ પણ મોંઘું ! બીજા એક કેસમાં પોલીસે ઉપલેટામાંથી રુપિયા ૧.૨૮ લાખની કિંમતનું કપાસના નકલી બિયારણની ૧૮૪ થેલીઓ કબજે કરી હતી. ૪ મે ૨૦૨૪ ના રોજ, મહારાષ્ટ્રના નંદુરબારકર જિલ્લાથી ગુજરાતમાં બનેલ કપાસના નકલી બિયારણના રુપિયા ૧૫ લાખના ૧૦૦૦ પેકેટ પકડાયા હતા. તે બિયારણ ક્યાંથી આવ્યું હતું? કયા ખેતરમાં બનાવાયું હતું? તે સરકાર ક્યારેય જાહેર કરતી નથી ! ત્યારે સરકાર ચલાવનારા આ કૌભાંડમાં સામેલ હોવાની શંકા ઉભી થાય છે.

એક માહિતી મુજબ અમેરિકાની કંપની ભારતમાં બીટી કપાસના બિયારણો વેચતી હતી તેણે ૨૦૧૭માં ભારત છોડી દીધું છે જેનો ફાયદો બિયારણ માફિયાઓ ઉઠાવી રહ્યા છે. નવું બિયારણ શોધવું હોય તો ઓછામાં ઓછી ૫થી ૭ વર્ષ ફિલ્ડ ટ્રાયલ લેવી પડે. પછી જ તેને ખેડૂતોને આપવામાં આવે. પણ કંપનીઓ આવું કરતી નથી. તેઓ એકના એક બિયાણના નામ બદલીને દર વર્ષે બજારમાં નવું સંશોધીત બિયાણ તરીકે મૂકી રહ્યાની વાત છે. બિયારણ કંપનીઓ – વેપારીઓ ખેડૂતોને પાકુ બિલ આપતાં નથી. જો ખેડૂતો જો પાકુ બીલ લે તો છેતરપિંડી અટકે અને છેતરાય તો ગ્રાહક સુરક્ષા ફોરમ સમક્ષ જઈ વળતર મેળવી શકે. ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ એક સરકારી કંપની છે, તેની કામગીરી સતત નબળી પડતી જાય છે, તેના કારણે ખેડૂતો બિયારણની હલકી ગુણવત્તા, વધુ ભાવ અને બિયારણનો પુરવઠો સમયસર મળતો ન હોવાથી પરેશાન છે. બીજ નિગમની જવાબદારી છે કે ખેડૂતોને પ્રમાણિત અને ટ્રુથફૂલ બિયારણ પૂરું પાડવું. કેન્દ્રીય કૃષિ વિભાગે બિયારણની અસલી ઓળખ માટે એપ અને પોર્ટલ – એટલે કે સીડ ટ્રેસેબિલિટી, ઓથેન્ટિકેશન અને હોલિસ્ટિક ઈન્વેન્ટરી બનાવી છતાં બનાવટી બિયારણો પકડવામાં ખેડૂતોને તે મદદ સંતોષકારક રીતે કરી શકાતી નથી.

કેટલાક જાણકારો નકલી બિયારણ અટકાવલું સાવ સહેલું હોવાનું કહે છે. જેના માટે સૂચનો કરતાં સોશ્યિલ મીડિયામાં લખે છે કે, બિયારણના પેકેટ પર અંગ્રેજી ભાષાના બદલે ગુજરાતીમાં માહિતી મૂકવી. બિયારણ ઉત્પાદકનું નામ સરનામું, વેબ સાઈટની વિગત મૂકવી. બિયારણ સંબંધી ફરિયાદ કઈ જગ્યાએ કરી શકાય તેની વિગત મૂકવી. સીડ પોલિસી અને કૃષિ નીતિ બનાવવી જોઈએ. ખેડૂતોને નુક્સાન-વળતરની કાયદામાં જોગવાઈ કરવી જોઈએ. નકલી બિયારણ માટે આકરો દંડ અને લાંબા સમયની જેલની સજા થવી જોઈએ. નકલી બિયારણ ઉત્પાદક પકડાય પછી બીજા નામે ફરી બીજ ઉત્પાદન કે વેચાણ ન કરી શકે તેવી જોગવાઈ હોવી જોઈએ.

જિનેટિકલ ટેક્નોલોજીનું બિયારણ સરકારી રાહે સંશોધન અને ઉત્પાદન કરી એ બિયારણ ખાનગી પેઢી ઉત્પાદન ન કરી શકે તેવી જોગવાઈ કરવી પડશે. નમુનાની ચકાસણી માટે જિલ્લાના સમૂહ માટે લેબ ઊભી કરવી. માન્ય બિયાણ કંપનીઓની યાદી જાહેર કરવાની જરૃર છે. ખાનગી કંપનીઓનું બિયારણ પણ બિજનિગમ જ આપે. જેથી જવાબદારી નક્કી થઈ શકે. અનેક આગેવાનો બનાવટી બિયારણ સામે ઝૂંબેશ ચલાવે છે. બિયારણ માફિયા સામે પગલાં ભરવા જણાવે છે. ગુજરાતમાં બિનઅધિકૃત બીટી કપાસના બિયારણના લાખો પેકેટ દર વર્ષે વ્ચાય છે અને ખેડૂતોને કરોડો રુપિયાનું નુક્સાન જાય છે. સરકાર શામાટે બિયારણ ગુનેગારો સામે પગલાં લેતી નથી?