
હિંમતનગર,
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસે નજર ચુકવીને બેંકો અને લગ્ન પ્રસંગોમાં ચોરીઓ કરતી ગેંગને ઝડપી લઈને ચોરીઓના ભેદ ઉકેલવામાં સફળતા હાંસલ કરી છે. મહિલાઓ અને બાળકો સાથે જ આવીને ચોરી કરવામાં માસ્ટરી ધરાવતી મધ્યપ્રદેશની કડીયા સાસી ગેંગને ખેડબ્રહ્મા પોલીસે ઝડપી લીધી છે. આંતરરાજ્ય ચોરી કરતી ગેંગને ઝડપી લઈ અંતરિયાળ વિસ્તારની પોલીસ ટીમ પ્રશંસાને પાત્ર બની છે.
ખેડબ્રહ્મા પીએસઆઈ જેઆર દેસાઈ અને તેમની ટીમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી બેંકમાંથી રોકડ રકમની ચોરી થવાને લઈ સતત તેને ઝડપી લેવા માટે પ્રયાસ કરી રહી હતી. સામાન્ય રીતે આ પ્રકારનુ ઝૂનૂન બ્રાન્ચની ટીમોમાં જોવા મળતુ હોય છે. જે અંતરિયાળ વિસ્તારના પોલીસ ટીમમાં જોવા મળ્યુ હતુ. અને ગેંગને ટ્રેક કરતા કરતા આખરે ઝડપી લીધી હતી. આ માટે ખૂબ ધૈર્ય પણ પોલીસે રાખવુ પડ્યુ હતુ.
થોડાક સમય અગાઉ પહેલા ખેડબ્રહ્મામાં એક ચોરીની ઘટના ઘટી હતી. જેને લઈ પોલીસ ટીમે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સ સહિત તમામ પ્રકારે પ્રયાસ શરુ કર્યો હતો. એસપી વિશાલકુમાર વાઘેલાએ રુબરુ ચર્ચા કરી પીએસઆઈ જેઆર દેસાઈને ચોરીની ઘટનાના ઉકેલવાનુ માર્ગદર્શન આપ્યા બાદ તપાસને તેજ બનાવી દીધી હતી. શક્ય તમામ મદદ માટે એસપીએ પણ પીએસઆઈ સાથે વાતચીતોનો દૌર શરુ કર્યો હતો. જે દરમિયાન એક કડી બાતમીદાર પાસેથી મળી આવી આ દરમિયાન ધૈર્યતા જાળવી ટીમને ટ્રેક કરવાની અને તેની ખરાઈ કરવાની શરુઆત કરી હતી. જે મુજબ ચોરી કરતી ગેંગ આ જ વિસ્તારમાં બીજો શિકાર કરવા ફરી રહી હતી અને તે ગેંગના ૪ સભ્યો કારમાં અંબાજી જવા દરમિયાન ખેડબ્રહ્મા પોલીસે ઝડપી લીધા હતા.
કારમાંથી ઝડપાયેલા ચારેય શખ્શોની ટેકનિકલ મદદ વડે તપાસ શરુ કરી તો તેઓના રુટ મુજબના વિસ્તારોમાં તેઓએ બીજી અન્ય ચોરીઓ કરી હોવાનુ ખુલ્યુ હતુ. આરોપીએ પૂછપરછ દરમિયાન એક બાદ એક ચોરીઓના ભેદ ઉકલવાની શરુઆત કરી હતી અને પોતાની સાથેના ગેંગના અન્ય સભ્યોની વિગતો પણ ઓકવા માંડી હતી. જેને પોલીસે એક બાદ એક ઝડપી લીધા હતા. ખેડબ્રહ્મા પોલીસે ૧૧ જેટલા આરોપીઓને ઝડપી લીધા છે.
આરોપીઓ ખેડા, આણંદ, મહેસાણા, મહિસાગર અને સાબરકાંઠા જિલ્લાઓમાં ચોરી આચરી છે. આરોપીઓ દ્વારા ૫ જેટલી ચોરીઓના ભેદ ઉકેલ્યા છે. તેમની પાસેથી ચોરીનો ૫.૫૬ લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આોપીઓ પાસેથી ૫૩ હજાર રુપિયાની રકમ રોકડ મળી આવી છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપીને લઈ કોર્ટમાં રિમાન્ડ મેળવ્યા છે. આ દરમિયાન વઘારે ગુનાઓનો ભેદ ઉકેલાય એવી આશા પોલીસને હોવાનુ એસપી વિશાલકુમાર વાઘેલાએ મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યુ હતુ.
કડીયા સાસી તરીકે ઓળખાતી આ ગેંગની નજર ચુકવી ચોરી કરવાની ગજબ માસ્ટરી છે. આ માટે ગેંગમાં મહિલા અને પુરુષોની અલગ અલગ ટોળી રાખવામાં આવે છે. બંને ગેંગ બાળકોને પણ પોતાની સાથે રાખે છે. મોટા શહેરોમાં ખાસ કરીને લગ્ન પ્રસંગ, મેળાવડાઓ સહિતમાં જઈ રેકી કરીને ચોરી આચરવામાં માસ્ટરી ધરાવે છે. બાળકોને પ્રસંગમાં આગળ કરીને ઘરેણાં કે રોકડની બેગ ઉઠાંતરી કરી રફુચક્કર પલકવારમાં થઈ જાય છે.
આ સિવાય બેંકો અને મોલમાં પણ જઈને રેકી કરી પૈસાની નજર ચૂકવી ચોરી કરી લે છે. આ કામ મોટા ભાગે મહિલા ટીમ સંભાળે છે. આ સિવાય રસ્તામાં બેંક આગળ કે ફાયનાન્સ પેઢી આગળથી નિકળેલા વ્યક્તિનો પિછો કરીને મોકો મળતા જ શર્ટ ગંદો થયો છે કહી, પૈસા પડાવી ગાયબ થઈ જાય છે.આ ગેંગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મધ્યપ્રદેશમાં પણ નામચીન છે. ઉપરાંત મહારાષ્ટ્ર, તેલંગાણા. આંધ્રપ્રદેશમાં પણ ચોરીઓ આચરવાનુ કાર્યક્ષેત્ર ધરાવે છે. આ ગેંગના સભ્યો કાર અને અન્ય વાહનો મારફતે પ્રવાસ કરીને ચોક્કસ વિસ્તારમાં દશ થી પંદર દિવસ રોકાણ કરીને ચોરીઓ આચરે છે. એક જ સ્થળે રોકાણ કર્યા બાદ તે ૨૦૦ કિલોમીટરના આસપાસના વિસ્તારમાં ફરીને ચોરીઓ આચરે છે.ઝડપાયેલા આરોપીઓમાં રીમા કરમસિંગ સીસોદીયા, રહે. કડીયા સાસી તા. પચોર, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ રોમા વિરેન્દ્રસિંગ સીસોદીયા, રહે. કડીયા સાસી તા. પચોર, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ,વંશીકા ઉર્ફે કાલુ વિનોદસિંગ સીસોદીયા, રહે. કડીયા સાસી તા. પચોર, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ,નીતુ જીતેન્દ્રસિંગ સીસોદીયા, રહે. કડીયા સાસી તા. પચોર, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ,શીતલ જોની સીસોદીયા, રહે. કડીયા સાસી તા. પચોર, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ,રીંકી અજબસિંગ સીસોદીયા, રહે. કડીયા સાસી તા. પચોર, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ,ગૌતમ મોજસિંગ છાયલ, રહે. કડીયા સાસી તા. પચોર, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ,દીલીપસિંગ માનસિંગ સીસોદીયા, રહે. કડીયા સાસી તા. પચોર, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ,અમિતસિંગ તખતસિંગ સીસોદીયા, રહે. કડીયા સાસી તા. પચોર, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ ,મોનુસિંગ નરપતસિંગ સીસોદીયા, રહે. કડીયા સાસી તા. પચોર, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.