નાયડુના એક ફોન કોલે વકફ એક્ટમાં ભાજપની બાજી બગાડી

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોટા ઉપાડે વકફ એક્ટમાં સુધારો કરવા માટેનો કાયદો બનાવવાની જાહેરાત કરેલી પણ લોક્સભામાં આ અંગેનો ખરડો રજૂ કરાયાની મિનિટોમાં જ મોદી સરકારે વિપક્ષો સામે ઘૂંટણ ટેકવી દીધા. મોદી સરકાર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના એક ફોન કોલના કારણે ઝૂકી ગઈ હોવાનું કહેવાય છે.

ખરડો સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાની વિપક્ષોની માગણી મોદી સરકારે સ્વીકારવી પડી અને તાત્કાલિક ખરડો સંયુક્ત સંસદીય સમિતીને સોંપી દેવાયો. મોદી સરકારના ૧૦ વર્ષના શાસનકાળમાં કોઈ ખરડો સંયુક્ત સંસદીય તપાસ સમિતીને સોંપાયો હોય એવું પહેલી વાર બન્યું છે. મોદી સરકાર વકફ એક્ટમાં સુધારો કરીને પોતાની હિન્દુવાદી ઈમેજને ફરી મજબૂત કરવા માગતી હતી પણ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના એક ફોન કોલે ભાજપની બાજી ઉંધી વાળી દીધી હોવાનું કહેવાય છે.

ભાજપે લોક્સભામાં ખરડો રજૂ કરવાની બધી તૈયારી કરી લીધી હતી પણ ગુરૂવારે (૦૮ ઓગસ્ટ) સવારે જ ફોન કરીને નાયડુએ ભાજપનો ખેલ બગાડી દીધો. કહેવાય છે કે, ચંદ્રાબાબુએ ભાજપને ચીમકી આપી હતી કે, વકફ ભાજપ એક્ટમાં પોતે સુધારો કરવા ધારે છે એવા સુધારા સાથેનો ખરડો લોક્સભામાં રજૂ કરશે તો ટીડીપી તેને ટેકો નહીં આપે. તેના બદલે તમામ પક્ષોના સાંસદોની બનેલી સંયુક્ત સંસદીય સમિતી રચાય. આ સમિતી જે સુધારા સૂચવે એ પ્રમાણે નવો ખરડો બનાવીને રજૂ કરાશે તો જ ટેકો આપશે.

ચંદ્રાબાબુની ચીમકીના કારણે હાંફળાફાંફળા થયેલા ભાજપના નેતાઓએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ફોન કરતાં નીતિશે પણ ચંદ્રાબાબુના વલણને ટેકો આપતાં ભાજપ પાસે વિકલ્પ જ નહોતો રહ્યો. ભાજપ સરકાર પહેલાં જ ખરડો રજૂ વાર્થી કરવાની જાહેરાત કરી ચૂકી હોવાથી પીછેહઠ કરે તો નાક વઢાય તેથી ખરડો રજૂ કરવો પડયો. આ ખરડો સંયુક્ત સંસદીય સમિતિને સોંપવાની માગણી પણ સ્વીકારવી પડી. સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ બિલને જેપીસીને મોકલવા માટે લોક્સભામાં પ્રસ્તાવ મૂક્યો હતો.

સામાન્ય રીતે જેપીસીમાં કેન્દ્રના સત્તધારી પાર્ટીના સાંસદો બહુમતીમાં હોય છે પણ ભાજપની હાલત એટલી કફોડી છે કે, લોક્સભાના ૨૧ સભ્યોમાં ભાજપના માત્ર ૭ જ સાંસદ છે. જેપીસીમાં ભાજપના જગદંબિકા પાલ, નિશિકાંત દુબે તેજસ્વી સૂર્યા, અપરાજિતા સારંગી, સંજય જયસ્વાલ, દિલીપ સૈકિયા અને અભિજીત ગંગોપાયાયનો સમાવેશ કરાયો છે. કોંગ્રેસના ગૌરવ ગોગોઈ, ઈમરાન મસૂદ (કોંગ્રેસ અને મોહમ્મદ જાવેદ એમ ત્રણ સભ્યો છે).

આ સિવાય શ્રીમતી ડી.કે. અરુણા (વાયએસઆરસીપી), મૌલાના મોહિબુલ્લાહ (સપા), કલ્યાણ બેનરજી (ટીએમસી), ૧૪. એ રાજા (ડીએમકે), એલએસ દેવરાયુલુ (ટીડીપી), દિનેશ્ર્વર કામાયત (જેડીયુ) અરવિંત સાવંત (શિવસેના, ઉદ્ધવ જૂથ), સુરેશ ગોપીનાથ એનસીપી, શરદ પવાર), નરેશ ગણપત માસ્ક (શિવસેના, શિંદે જૂથ), અરુણ ભારતી (એલજેપી આર) અને અસદુદ્દીન ઓવૈસી (એઆઇએમઆઇએમ) પણ જેપીસીમાં છે.