નહી ઘટે હોમ લોનનો ઇએમઆઇ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફરી એકવાર રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લીધો

મુંબઇ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ) એ ફરી એકવાર રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. ત્રણ દિવસની મોનેટરી પોલિસી રિવ્યુ મીટિંગ બાદ આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે કમિટીએ ફરી એકવાર રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ હાલમાં ૬.૫ ટકા છે. જોકે, તેમણે કહ્યું કે હવે સેન્ટ્રલ બેંક આના પર ચાંપતી નજર રાખશે.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ભારતીય રિઝર્વ બેંકની પાંચમી નાણાકીય નીતિની બેઠકમાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટ અત્યારે સ્થિર રહેશે. બેઠકમાં ૬માંથી ૫ સભ્યો રેપો રેટને સ્થિર રાખવાના નિર્ણય પર સહમત થયા છે. રિઝર્વ બેંકનું વલણ અકબંધ છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મોંઘવારી દરને ૪ ટકાથી નીચે લાવવા પર ફોક્સ કરવામાં આવશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ છેલ્લી ઘણી બેઠકોથી રેપો રેટને ૬.૫ ટકા પર સ્થિર રાખ્યો છે. નિષ્ણાતો નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ની પાંચમી બેઠકમાં પણ રેપો રેટ સ્થિર રાખવાની અનુમાન કરી રહ્યા હતા. કેટલાક નિષ્ણાતો તો એવું પણ કહે છે કે સેન્ટ્રલ બેંક જૂન ૨૦૨૪ સુધી રેપો રેટમાં કોઈ ફેરફાર કરવા જઈ રહી નથી, કારણ કે આરબીઆઇનો ટાર્ગેટ મોંઘવારી દરને ૪ ટકાથી નીચે લાવવાનો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ફેબ્રુઆરીથી આયોજિત તમામ નાણાકીય નીતિની બેઠકોમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ હાલમાં ૬.૫ ટકા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આરબીઆઈ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ પહેલા રેપો રેટમાં ઘટાડો નહીં કરે અને તે અત્યારે સ્થિર રહેશે.રેપો રેટ એ દર છે કે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને લોન આપે છે અને બેંકો આ નાણાં લોકોને લોન તરીકે આપે છે. આ કારણોસર, જ્યારે પણ રેપો રેટમાં ફેરફાર થાય છે, ત્યારે તેની સીધી અસર લોનની EMI પર પડે છે. એટલે કે જો રેપો રેટ વધે છે તો લોનની ઇએમઆઇ પણ વધે છે.

શક્તિકાંત દાસે અનુમાન લગાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪માં દેશમાં છૂટક મોંઘવારી દર માત્ર ૫.૪૦ ટકા રહેશે. ઓગસ્ટ ૨૦૨૩માં આરબીઆઈએ ફુગાવાના દરનો અંદાજ ઘટાડીને ૫.૪૦ ટકા કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત કાચા તેલની કિંમતોમાં પણ વધઘટ જોવા મળી રહી છે. આમ છતાં RBI એ મોંઘવારી દરના અંદાજમાં વધારો કર્યો નથી. દાસે કહ્યું કે સપ્લાય ચેઇન જેવા ખાદ્ય મોંઘવારી વધવા પાછળ અન્ય ઘણા કારણો છે. ફુગાવા અંગે અંદાજ આપતાં સેન્ટ્રલ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૪ના ત્રીજા ક્વાર્ટરમાં ફુગાવાનો દર ૫.૬ ટકા અને ચોથા ક્વાર્ટરમાં ૫.૨૦ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર રેપો રેટ સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. આજે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય સમીક્ષા બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. કેન્દ્રીય બેંકે ફરી એકવાર રેપો રેટ યથાવત રાખ્યો છે અને તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBI ના નિર્ણય બાદ ફરી એકવાર વ્યાજ દર ૬.૫ ટકા પર યથાવત છે. લોકોને આશા હતી કે આ વખતે રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરીને સસ્તી લોનની ભેટ આપશે, પરંતુ એવું થયું નહીં. સસ્તી લોન માટે તમારે વધુ રાહ જોવી પડશે.