નાહકનો વિવાદ

મતદાનના આંકડાને લઈને ઊઠી રહેલા સવાલો વચ્ચે ચૂંટણી પંચે એ સ્પષ્ટ કરી દીધું છે કે મતદાનના દિવસે જારી થનારા આંકડા અને અપડેટ આંકડામાં એકાદ-બે ટકાનું અંતર હોવું કોઈ અસામાન્ય વાત નથી અને પહેલાં પણ આવું થતું રહ્યું છે. રાજકીય પક્ષો આ તથ્યથી અજાણ તો નથી, પરંતુ તેઓ નાહકનો વિવાદ પેદા કરવા માગે છે. ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કયાં કારણોસર મતદાનના અપડેટ આંકડા જારી કરવામાં વિલંબ થાય છે. તેણે પાછલી ચૂંટણીઓના આંકડા જારી કરીને એ પણ રેખાંક્તિ કર્યું છે કે પહેલાં પણ પાંચ-સાત દિવસ બાદ અપડેટ આંકડા જાહેર કરાતા રહ્યા છે. આ સ્પષ્ટીકરણ છતાં તેનો અણસાર ઓછો છે કે વિપક્ષી રાજકીય પક્ષ ચૂંટણી પંચને કઠેરામાં ઊભા કરવાનું બંધ કરશે. એના પર આશ્ર્ચર્ય નહીં કે કેટલાક લોકો આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા છે. તે ઉપરાંત કોંગ્રેસને એ લાગવા માંડ્યું છે કે મતદાનના દિવસે જારી થનારા વચગાળાના આંકડા અને અંતિમ આંકડામાં અંતરની પાછળ ક્યાંક કોઈ પ્રકારની ગરબડ તો નથી ને? આ આશંકાનો કોઈ મતલબ નથી, કારણ કે મતદાનની પ્રક્રિયા સંપન્ન થયા બાદ તમામ પક્ષોના પોલિંગ એજન્ટોને તેની વિગતો આપી દેવાય છે કે ક્યાં કેટલા ટકા મતદાન થયું. તે ઉપરાંત ઇવીએમને સઘન સુરક્ષામાં રાખવામાં આવે છે. આ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ રાજકીય પક્ષોના કાર્યર્ક્તા પણ કરે છે. સ્પષ્ટ છે કે મતદાન ટકાવારીના જે આંકડા ચૂંટણી પંચ દ્વારા જમાવવામાં આવે છે, તેમાં ફેરબદલ કરવો સંભવ નથી, કારણ કે તેની પુષ્ટિ ઇવીએમથી થાય છે.

ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર પહેલા ચાર ચરણમાં મતદાનના દિવસે જારી વચગાળાના આંકડા અને અંતિમ આંકડામાં અંતર લગભગ એક કરોડ મતોનું છે. આને ભારે અંતર એ મૂરખ જ કહી શકે, જેને એનું જ્ઞાન ન હોય કે દેશમાં મતદારોની કેટલી વધુ સંખ્યા છે. પહેલા ચાર ચરણોમાં ૪૫.૧૦ કરોડ લોકોએ મતદાન કર્યું છે. એવામાં એક કરોડનું અંતર કોઈ ખાસ વાત નથી. આ ઉપરાંત જ્યારે બધાને ખબર છે કે ઇવીએમ દ્વારા મતદાનના આંકડાની પુષ્ટિ થઈ જ જવાની છે, તો પછી ચૂંટણી પંચ પર શંકા વ્યક્ત કરવાનો શો મતલબ? એવું લાગે છે કે એના પર શંકા વ્યક્ત કરવાનું કામ એટલા માટે કરાઈ રહ્યું છે કે જેથી જો ચૂંટણી પરિણામ પ્રતિકૂળ આવે તો તેના પર ઠીકરું ફોડી શકાય. યાન રહે કે આ કામ પહેલાં પણ થતું રહ્યું છે અને તેના માટે નિશાનો બનાવવામાં આવે છે ઇવીએમને. આ વખતે પણ ચૂંટણી શરૂ થતાં પહેલાં એવી કોશિશ કરવામાં આવી કે મતદાન ઇવીએમને બદલે બેલેટ પેપરથી થાય. તેના માટે એવી માંગ કરવામાં આવી કે તમામ વીવીપેટ ચબરખીઓ સાથે તેની મેળવણી થાય. આ એક પ્રકારે પાછલા દરવાજેથી બેલેટ પેપરના યુગમાં પાછા ફરવા જેવી માંગ હતી. આવું એ તથ્ય છતાં કરવામાં આવે છે કે ખુદ સુપ્રીમ કોર્ટે બધાં તથ્યો તપાસી ઇવીએમથી જ ચૂંટણી કરાવવાનો ચુકાદો આપ્યો છે.