ઉના,
દિવના નાગવા એરપોર્ટના મુખ્ય દરવાજાના પીલર અને લોખંડના ગેટ સાથે કાર ચાલકનો અક્સ્માત સર્જાતા કારમાં બેઠેલા એક યુવાનનુ મોત નિપજ્યું હતું. જ્યારે કાર ચાલક સહિત ત્રણ યુવાનોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવેલા. આ અકસ્માતમાં કાર ચાલક કેફી પીણાના નશામાં હોવાથી કાબૂ ગુમાવતા એરપોર્ટના મુખ્ય ગેટમાં ધડાકાભેર ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો બુકડો બોલી ગયો હતો.
સંઘ પ્રદેશ દિવના નાગવા બીચ પર કોડીનારના ચાર મિત્રો ફરવા આવ્યા હતા. નાગવાથી દિવ તરફ જતી વખતે નાગવા એરપોર્ટ પર કોડીનારના ફોર વ્હીલ ચાલક કેફી પીણાના નશામાં એરપોર્ટના મુખ્ય દરવાજાના બે પીલર અને લોખંડના ગેટ તોડી અકસ્માત સર્જતા કોડીનારના સિંધી યુવાન પરેશ પરમાનંદ બજાજનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ મિત્રોને ઈજા પહોંચી હતી. દિવ પોલીસે ડ્રાઈવર સેનકી વિજય બજાજને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ ચેક કરતા ૧૩૭ પોઝિટિવ આવતાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી નશો કરીને અકસ્માત સર્જી સરકારી મિલક્તને નુકશાન કરી એક યુવાનનું કરુણ મોત નીપજાવ્યાની પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દિવ પોલીસે મૃતક પરેશ પરમાનંદ બજાજના મૃતદેહનો કબજો લઈ પી.એમ. માટે હોસ્પિટલે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. કાર સુરત પાસિંગની લાલ કલરની કારની જોરદાર ટક્કર થતાં ગાડીના આગળના મોરાનો અડધો ભાગ એરપોર્ટના બે પીલર લોખંડના ગેટની નીચે દબાઈ ગયો હતો અને કારમાં ભારે નુકશાન થયું હતું. દિવ પોલીસે ડ્રાઈવરની વધુ પૂછપરછ હાથ ધરી છે. કેમકે હાઈ પ્રોફાઈલ એરપોર્ટેના મુખ્ય ગેટ સાથે કઈ રીતે અથડાઈ તે અંગેની તપાસ હાથ ધરી છે.