છેવટે નાગરિક્તા સંશોધન કાયદો એટલે કે સીએએના નિયમો અધિસૂચિત કરી દેવામાં આવ્યા. જોકે આ કાયદો હજુ વહેલો અમલમાં આવી ગયો હોત તો સારું હતું, કારણ કે તેને સંબંધિત વિધેયક તો ડિસેમ્બર ૨૦૧૯માં જ સંસદની સ્વીકૃતી મળી ગઈ હતી. આટલે મોડેથી આ કાયદો લાગુ કરવાનું એક કારણ તેનો મોટા પાયે વિરોધ થવાનું દેખાય છે. આ વિરોધ એ જૂઠ્ઠા દુષ્પ્રચારની દેન હતી કે જો આ કાયદો લાગુ થયો તો દેશના મુસલમાનોની નાગરિક્તા ખતરામાં પડી જશે. આ દુષ્પ્રચારમાં કથિત સિવિલ સોસાયટીના લોકો જ નહીં, બલ્કે કેટલાય રાજકીય પક્ષો પણ સામેલ હતા. તેઓ જાણીજોઈને મુસ્લિમ સમુદાયને ઉશ્કેરીને તેને સડકો પર ઉતારી રહ્યા હતા, જ્યારે આ કાયદાને કોઈ પણ ભારતીય નાગરિક સાથે કોઈ લેવાદેવા નથી. વાસ્તવમાં આ કાયદો નાગરિક્તા છીનવવાનો નહીં, પરંતુ આપવાનો છે. આ કાયદા અંતર્ગત અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પંથ-મજહબના આધાર પર ઉત્પીડનનો શિકાર થયેલા એ અલ્પસંખ્યકોને નાગરિક્તા આપવાની છે, જે ૨૦૧૪ પહેલાં ભારત આવી ચૂક્યા છે. એ એક તથ્ય છે કે અફઘાનિસ્તાન હિંદુઓ-શીખોથી લગભગ ખાલી થઈ ગયું છે અને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ, શીખ અને અન્ય લઘુમતી ભારે સતામણીનો શિકાર છે. તેઓ પોતાનું અસ્તિત્વ બચાવવાની હારેલી લડાઈ લડી રહ્યા છે. તેમની સામે જીવ ગુમાવવા, પલાયન કરવા કે પરાણે ધર્મપરિવર્તન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ સમયની માંગ છે કે ૨૦૧૪ બાદ પણ ત્રણેય પડોશી દેશોથી લૂંટાઈને ભારત આવેલા પ્રતાડિત લોકોને રાહત આપવા પર વિચાર કરવામાં આવે.
સીએએ લાગુ થવા સામે લોકોને ઉશ્કેરવાનું કામ કરનારા લોકો સામે સખ્તાઈથી પગલાં ભરવાં જોઇએ. દિલ્હીના નાકમાં દમ કરી દેનારા શાહીનબાગ જેવા કોઈ ધરણાંને ઉગતાં પહેલાં જ કચડી નાખવાં જોઇએ. તેની સાથે જ એ રાજકીય પક્ષોની પણ ઝાટકણી કાઢવી જોઇએ, જેમણે આ કાયદાના વિરોધના બહાને રાજકીય રોટલા શેકવા અને લોકોને હિંસા માટે ઉશ્કેરવાનું કામ કર્યું. નાગરિક્તા સંશોધન કાયદાને લઈને કેટલાક રાજકીય પક્ષોએ કેટલી હલકટ રાજનીતિ કરી, તેનું પ્રમાણ એ છે કે કેટલીક રાજ્ય સરકારોએ વિધાનસભામાં તેના વિરુદ્ઘ પ્રસ્તાવ પસાર કર્યા. વોટબેંકની સસ્તી અને ગંદી રાજનીતિને કારણે સંઘીય માળખા વિરુદ્ઘ આ કામ જાણીજોઈને ત્યારબાદ પણ કરવામાં આવ્યું કે કોઈને નાગરિક્તા આપવામાં રાજ્ય સરકારોની ક્યાંય કોઈ ભૂમિકા જ નથી. આ કેન્દ્રના અધિકારનો વિષય છે. આશ્ર્ચર્ય છે કે આવા સમયે સુપ્રીમ કોર્ટ પણ ચૂપ રહી! એ સમજાય છે કે કોઈ એ માંગ કરે કે માનવીય આધાર પર ત્રણેય પડોશી દેશોમાં સતાવેલા લઘુમતીઓ સાથે અન્યને પણ નાગરિક્તા સંશોધન કાયદાના દાયરામાં લાવવામાં આવે, પરંતુ તેનો કોઈ મતલબ નહીં કે જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી કોઈને પણ નાગરિક્તા આપવાની પહેલનો વિરોધ કરવામાં આવે. આ વિરોધ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઉત્પીડનનો શિકાર થયેલા અલ્પસંખ્યકો પ્રત્યે અત્યાચાર સિવાય બીજું કશું જ નથી.