નાગરિકોની સતામણી કે તેમને ત્રાસ આપવા કાયદાનો દુરુપયોગ થઈ શકે નહીં : બોમ્બે હાઈકોર્ટ

મુંબઇ,

ઓફિશ્યલ સિક્રેટ્સ એક્ટ હેઠળ જાસૂસી કરવા બદલ સોલાપુર સ્થિત યુવાન સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરીને બોમ્બે હાઈ કોર્ટે ટિપ્પણી કરી હતી કે નાગરિકોની સતામણી કે તેમને ત્રાસ આપવા કાયદાનો દુરુપયોગ થઈ શકે નહીં. અકલુજમાં પોલીસ સ્ટેશનનો બહારથી ફોટો પાડવા બદલ અરજદાર સામે જાસૂસી કરવાનો કેસ નોંધવામાં આવ્યો હોવાનું જાણીને કોર્ટે આઘાત વ્યક્ત કર્યો હતો. આવી કલમ લાગુ કરવાથી એ વ્યક્તિ પર ગંભીર પરિણામ આવી શકે છે. તેની પ્રતિષ્ઠા, રોજગાર, કારકિર્દી વગેરે નષ્ટ થઈ શકે છે. કાયદાને આડેધડ લાગુ કરીને કોઈની જીંદગી અને કારકિર્દી બગાડી શકાય નહીં. કાયદાનો દુરુપયોગ વ્યક્તિની સતામણી કરવામાટે થવો જોઈએ નહીં, એમ જજે નોંધ્યું હતું.

ઓફિશ્યલ સિક્રેટ્સ એક્ટ(ઓએસએ)ની જોગવાઈએ બિનજરૃરી લાગુ કરવાનાકેસમાં વધારો થયાનું નોંધીને કોર્ટે પોતાના ઉક્ત આદેશની નકલ ડિરેક્ટર જનરલ, કમિશનર ઓફ પોલીસ, મુંબઈ અને ગૃહ ખાતાને મોકલવાનો આદેશ આપ્યો છે જેથી આ દિશામાં યોગ્ય પગલાં લઈ શકાય. કોર્ટે આ પ્રકરણમાં સરકાર પર રૂ . ૨૫ હજારનો દંડ પણ લાગ્યો છે. જે આ કેસમાં ઓએસએ લાગુ કરનારા અધિકારીઓ પાસેથી વસૂલ કરી શકાય છે.

રોહન કાળે નામની વ્યક્તિ જમીન વિવાદમાં ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગઈ હતી. એ વખતે તેણે મિત્રતા ભાવથી વિરોધીપક્ષ સાથે વાત કરતી પોલીસનો ફોટો પાડયો હતો. ઓએસએની કલમ ત્રણ હેઠળ પોલીસ સ્ટેશનમાં થતી ચર્ચાની વિડિયોગ્રાફી અથવા પોલીસ સ્ટેશનમાં ફોટોગ્રાફી કરવા માટે લાગુ કરાય છે. જ્યાં ઘટના બની હોય તે સ્થળ પ્રતિબંધિત સ્થળ હોવાનું જોઈએ પોલીસ સ્ટેશન આ વ્યાખ્યામાં બેસતું નથી.