નાગપુરમાં વિસ્ફોટકો બનાવવાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, ૫ લોકોના મોત

મહારાષ્ટ્રના નાગપુર શહેર નજીક વિસ્ફોટકો બનાવવાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને પાંચ ઘાયલ થયા હતા. ઘટના વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આ ઘટના નાગપુરથી લગભગ ૨૫ કિલોમીટર દૂર હિંગણા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ધમના ગામમાં ચામુન્ડી એક્સપ્લોઝિવ પ્રાઈવેટ લિમિટેડમાં બની હતી. એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ બપોરે ૧:૦૦ વાગ્યે થયો હતો જ્યારે કામદારો વિસ્ફોટક સામગ્રી પેક કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ સંબંધમાં વિગતવાર માહિતી હજુ સુધી મળી નથી.

નાગપુર પોલીસ કમિશ્ર્નર રવિન્દર સિંઘલે કહ્યું, આ ઘટનામાં ૪-૫ લોકોના મોત થયા છે, જેમાં ૪ મહિલાઓ પણ છે. અમારી તપાસ ચાલુ છે. અમારી ટીમ, ક્રાઈમ બ્રાન્ચ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પહેલા મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલી વિસ્તારમાં એક બંધ કેમિકલ ફેક્ટરીમાં બુધવારે સવારે આગ લાગી હતી. કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા દીપક નિકમે જણાવ્યું હતું કે યુનિટમાં વિસ્ફોટ પણ થયો છે. અધિકારીએ કહ્યું કે યુનિટમાંથી નીકળતો ગાઢ ધુમાડો દૂરથી જોઈ શકાય છે. આ યુનિટ અમુદાન કેમિકલ્સ પાસે આવેલું છે, જ્યાં ૨૩ મેના રોજ થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ૧૦ લોકો માર્યા ગયા હતા અને ૬૦ થી વધુ ઘાયલ થયા હતા.