નાગપુર અને નાશિકમાં ભાજપને ફટકો!,નાશિકના સ્નાતક મતવિસ્તારમાં સત્યજીત તાંબે જીત્યા

મુંબઈ,

મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠક પર કરવામાં આવેલી ચૂંટમીમાં નાશિકના સ્નાતક મતવિસ્તારમાં સત્યજીત તાંબે જીત્યા છે. નાશિક ડિવિઝનની ગ્રેજ્યુએટ સીટ પર કોંગ્રેસને બળવાનો સામનો કરવો પડ્યો હતો અને કોંગ્રેસે આ બેઠક માટે ત્રણ વખતના એમએલસી સુધીર તાંબને તેના સત્તાવાર ઉમેદવાર તરીકે નોમિનેટ કર્યા હતા, પરંતુ તેમણે તેમના કાગળો દાખલ કર્યા ન હતા અને રેસમાંથી બહાર નીકળી ગયા હતા. બાદમાં તેમના પુત્ર સત્યજીત તાંબેએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસે બંને નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. દરમિયાન નાગપુર બેઠક પર એમવીએના સુધાકર અદબોલેએ ભાજપના નાગો ગાનારને સાત હજારથી વધારે વોટથી હરાવ્યા છે. કોંકણ શિક્ષક મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર જ્ઞાનેશ્ર્વર મ્હાત્રેએ બલરામ પાટીલને હરાવ્યા હતા. જ્ઞાનેશ્ર્વર મ્હાત્રેને ૨૦ હજારથી વધુ વોટ મળ્યા અને બલરામ પાટીલને માત્ર ૯ હજાર ૫૦૦ વોટ મળ્યા.

હાલમાં લખાય છે ત્યારે આ ઉપરાંત, ઔરંગાબાદ અને અમરાવતી પર અત્યારે મતગણતરી ચાલી રહી છે, જેમાં ઔરંગાબાદ સીટ પર પણ મહાવિકાસ આઘાડી ભાજપથી આગળ ચાલી રહી છે અને અહીં એમવીએ (મહાવિકાસ આઘાડી પક્ષ)એ વિક્રમ કાલેને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા હતા. અહીં એ જણાવવાનું કે વિધાન પરિષદના પાંચ સભ્યના છ વર્ષનો કાર્યકાળ સાત ફેબ્રુઆરીએ પૂરો થશે. રાજ્યમાં સોમવારે થયેલા મતદાનમાં કોંકણ શિક્ષક મતવિસ્તારમાં સૌથી વધુ ૯૧.૦૨ ટકા મતદારો નોંધાયા હતા જ્યારે નાસિક વિભાગની સ્નાતક બેઠક પર સૌથી ઓછું ૪૯.૨૮ ટકા મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત, નાગપુર અને ઔરંગાબાદ શિક્ષક મતવિસ્તારમાં અનુક્રમે ૮૬.૨૩ ટકા અને ૮૬ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે અમરાવતી વિભાગ સ્નાતક મતવિસ્તારમાં ૪૯.૬૭ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.